ગુજરાતમાં ઉત્તરાયણ પર ફરી કાતિલ ઠંડી ધ્રુજાવશે સાથે માવઠાની પણ અંબાલાલે કરી આગાહી

Cold in Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાન અંગે આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ અને ત્યારબાદ તીવ્ર ઠંડીનું (Cold in Gujarat) આગમન થશે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરી છે.

ઉત્તરાયણમાં અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
ગુજરાતના ઘણા ભાગોમાં હાલમાં માવઠું પડ્યું છે જેને લઈને ખેડૂતો સહિત ઘણા ચિંતામાં છે. નોકરિયાત અને ધંધાદારી વર્ગ પણ આ દરમિયાનમાં ઠંડી માટે જેકેટ લઈને નીકળવું કે માવઠાને કારણે રેઈનકોટ લઈને નીકળવું તેવી અસમંજસમાં છે. બીજી બાજુ ઉત્તરાયણનો પણ તહેવાર આવી રહ્યો છે. જેને લઈને પતંગ રસિયાઓને ચિંતા થવા લાગી છે કે ઉત્તરાયણના તહેવારમાં વરસાદ આવી જશે તો ક્યાંક પતંગો અને ફિરકી લઈને ધાબા પરથી નીચે દોટ તો નહીં મુકવી પડે ને. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલના દિવસોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ સુધીમાં ફરીથી માવઠું થઈ શકે છે. 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. જો, ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે.

પાકને નુકસાનની ચિંતા
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાની ચિંતા છે. ખાસ કરીને તુવેર, રાઈ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની પણ શક્યતા છે. અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પોતાના પાકની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. હવામાનમાં થનારા ફેરફારોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

ઉત્તર-મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડવાની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ છે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહે તેવી સંભાવના છે. આગાહી અનુસાર, 4 થી 8 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની પણ સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડી શકે છે. વિભાગે લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને જરૂરિયાત મુજબ, ગરમ પીણાં પીવાનું અને ગરમ વસ્ત્રો પહેરવાનું સૂચન કર્યું છે.

રાજ્યનું તાપમાન
રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. મળતી માહિતી પ્રમાણે, બુધવારે નલિયામાં 6.4 ડિગ્રી, ડીસામાં 12.1 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને અમદાવાદ 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.6, મહુવામાં 10.9 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે.