VIDEO: સમુદ્રમાં વિમાન ક્રેશ; પ્રખ્યાત સંગીતકાર સહિત 7 લોકોના કમકમાટીભર્યા મોત

America Plane Crash: હોન્ડુરાસના રોટાન ટાપુ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એક વિમાન સમુદ્રમાં ક્રેશ થયું, જેમાં સાત લોકોના મોત થયા, જ્યારે દસ અન્યને (America Plane Crash) સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. જાણીતા સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુઆઝોનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

આ જેટસ્ટ્રીમ એરક્રાફ્ટનું સંચાલન હોન્ડુરાન એરલાઇન લન્હસા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. વિમાનમાં 14 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા. ફ્લાઇટ રોટાન ટાપુથી હોન્ડુરાસની મુખ્ય ભૂમિ પર લા સેઇબા એરપોર્ટ માટે નિર્ધારિત હતી. ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ ટાપુના કિનારે લગભગ એક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો.

સ્થાનિક મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી ફ્લાઇટ લિસ્ટ અનુસાર, મુસાફરોમાં એક અમેરિકી નાગરિક, એક ફ્રેન્ચ નાગરિક અને બે સગીરનો સમાવેશ થાય છે. હોન્ડુરાસના ફાયર અધિકારી ફ્રેન્કલિન બોરખાસે સાત મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમે અંધારામાં બચાવ કામગીરી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અધિકારીઓ અને બચાવકર્મીઓ ઘાયલોને સ્ટ્રેચર પર લઈ જતા જોઈ શકાય છે.

બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી હતી કારણ કે તે 30 મીટર ઊંચા ખડકોથી ઘેરાયેલું હતું અને પગપાળા અથવા સ્વિમિંગ દ્વારા પહોંચવું શક્ય ન હતું. ખરાબ હવામાન અને પાણીમાં ઓછી વિઝિબિલિટીના કારણે રાહત કામગીરીમાં અડચણ આવી હતી.

અકસ્માતનું કારણ અકબંધ
હાલમાં પ્લેન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. એરલાઈન લાન્સાએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. રોતાન ટાપુ તેના સુંદર પરવાળાના ખડકો અને પ્રવાસન સ્થળો માટે પ્રખ્યાત છે, પરંતુ આ દુર્ઘટનાથી અહીંના પ્રવાસન અને ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઉભા થઈ શકે છે.