VIDEO: અમેરિકામાં હેલિકોપ્ટર અને વિમાન વચ્ચે હવામાં ખતરનાક ટક્કર; અનેક મોતની આશંકા

America Plane Crash: અમેરિકામાં વોશિંગ્ટન ડીસીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ (America Plane Crash) પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતાં બંને ક્રેશ થઈ ગયા હતા. વિમાનમાં લગભગ 64 મુસાફરો સવાર હતા.

એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધી પોટોમેક નદીમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે. અમેરિકન એરલાઇન્સના વિમાનમાં કુલ 64 લોકો મુસાફરી કરી રહ્યાના અહેવાલ સામે આવ્યા છે. જોકે કેટલાક મીડિયામાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી એટલે કે એવું પણ બની શકે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોઈ શકે છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

અમેરિકન એરલાઇન્સે દુર્ઘટના વિશે જાણકારી આપી
અમેરિકન એરલાઈન્સે એ વાતની પુષ્ટી કરી છે કે આ વિમાનમાં 60 મુસાફરો હતા અને 4 ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા. તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઇ હતી. બુધવારે રાતે આ ઘટના બની હતી. આ વિમાને કેનસાસના વિચિતાથી ઉડાન ભરી હતી. જોકે વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા. જોકે આ હેલિકોપ્ટરમાં કોઈ સિનિયર ઓફિસર સવાર નહીં હોવાની પણ જાણકારી સામે આવી છે.

રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
આ ટક્કર બાદ વિમાન 60 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સહિત પોટોમેક નદીમાં ખાબક્યું હતું. જોકે ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અમેરિકન સૈન્યના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે ટક્કર થઇ ગઇ હતી. તેના પછી બંને નદીમાં ક્રેશ થઇ ગયા હતા અને પોટોમેક નદીમાં ખાબક્યા હતા. એરલાઇન્સ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એવા અહેવાલ છે કે પીએસએ દ્વારા ઓપરેટેડ અમેરિકન ઈગલ ફ્લાઇટ 5342 વિમાન કેન્સાસથી વોશિંગ્ટન રીગન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું અને તે સમયે જ Sirosky H 60 સાથે તેની ટક્કર થઇ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
અમેરિકા એરલાઈન્સની વેબસાઈટ અનુસાર દુર્ઘટનાગ્રસ્ત જેટમાં 60 મુસાફરોના બેઠકની વ્યવસ્થા હતી. અમેરિકાના સિનેટર ટેડ ક્રુઝે જણાવ્યું છે કે આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જો કે હજી સુધી અમને વિમાનમાં સવાર કેટલા લોકોના મોત થયા છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ કેટલાક લોકોના મોત થયા છે.