અમેરિકાના ગુજરાતી પણ ગુજરાત સરકારના વિશેષ અભિયાનમાં જોડાયા…

American Gujarati: ગુજરાતની ભૂમિની એ વિશેષતા છે કે આ ભૂમિએ સમયાંતરે અનેક સમાજસેવકો અને બીજા માટે જીવન જીવનારા લોકોની વિશ્વને ભેટ ધરી છે. પરગજુપણાની લાગણી કે વૃત્તિ એ ગુજરાતની પાવન ભૂમિની વિશેષતા છે. આવા જ એક સમાજસેવક એટલે અશોકભાઈ ગોકળદાસ પટેલ. સામાજિક કાર્યકર અને લેખક અશોકભાઇ પટેલને તો વારસામાં જ સમાજસેવાના(American Gujarati) સંસ્કાર મળ્યા હતા. પોતાને વારસામાં મળેલા સામાજિક દાયિત્વને તેમણે બરાબર નિભાવ્યું છે. તેમણે મહાત્મા ગાંધી સ્થાપિત ધી મજદૂર સહકારી કો-ઓપરેટીવ બૅન્કના ડાયરેક્ટર તરીકે અનેક શ્રમિકોના જીવનમાં રચનાત્મક પરિવર્તન આણ્યું હતું.

આ ઉપરાંત, શહેરના મા.જે.પુસ્તકાલયના સક્રિય સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. ગુજરાતની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ગુજરાત ફૉરમના આદ્ય સ્થાપક અને શૈક્ષણિક સંસ્થા સંસ્કારના તેઓ નિયામક છે. આ સંસ્થા સમાજના નબળા વર્ગના બાળકોને કેળવણી આપવાનું કામ કરે છે.

તેઓ ઉમદા લેખક પણ છે. ગુજરાત સરકારના યુથ બોર્ડ, સ્પોર્ટસ કાઉન્સિલના સભાસદ તરીકે પણ તેમેણે કામગીરી કરી છે. ‘રૂડાબાઇની વાવ’, ‘ગુજરાતના પાટીદારોનો ઇતિહાસ’ અને ‘ડૉલરની દુનિયા અમેરિકા’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. અશોકભાઈએ દૂરદર્શન માટે ઘણી હિન્દી તથા ગુજરાતી સિરીયલોનું પણ નિર્માણ કર્યું હતું. ભારત સરકારની વિવિધ સમિતિઓમાં તેમણે કામગીરી કરી છે.

મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે કામ કરનાર તેમના પિતા ગોકળદાસ પટેલ સ્વાતંત્રસેનાની અને સમાજસેવક હતા. લોકો તેમને ખૂબ જ ચાહતા હતા. તેમની હયાતીમાં જ તેમના નામ પરથી ગોકુલપુરા (ભાડજ-અમદાવાદ પાસે) ગામની સ્થાપના થઇ હતી. તેમના “ભોમિયો” નામનું પુસ્તક પાઠ્યપુસ્તક બન્યું હતું.

અશોકભાઇ ડલાસ(અમેરિકા)માં જરૂરિયામંદ લોકોને સહયોગ કરે છે. તેઓ ડલાસ ભારતીય કૉન્યુનિટીના મંત્રી છે. અહીંથી ત્યાં જતા વિદ્યાર્થીઓને એડમિશન, નોકરી કે રહેવા-જમવાનો કોઇ પણ પ્રશ્ન હોય તો એના ઉકેલ માટે ખડે પગે અને ભરેલા હૃદયે તૈયાર રહે છે. તેમને કૅન્સર થયું તો મજબૂત મનોબળથી લડ્યા અને જીત્યા. તેની ખુશાલીમાં અમદાવાદમાં પાર્ટી ગોઠવી અને કૅન્સર-લડતમાં પોતાને મદદ કરનારા તમામનું જાહેર સન્માન કર્યું. સાબરમતી આશ્રમ તો તેમને અતિ પ્રિય. પોતાનો જન્મદિવસ બીજી ઑક્ટોબર અહીં જ ઉજવે. ગયા જન્મદિવસે માનવ સાધના સંસ્થાની દીકરીઓને જમાડી અને ગરબે પણ રમાડી હતી.