સુરતઃશુક્રવારઃ- સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ, નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમીટેડના પ્લાન્ટના ૬૦,૦૦૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કાર્યનું ડિજિટલ માધ્યમથી ઈ- ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હજીરા ખાતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. AMNS ના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા હાલ વાર્ષિક ૯ મિલિયન મેટ્રીક ટન છે, જે પ્લાન્ટના વિસ્તૃતિકરણથી વધીને ૧૫ મિલિયન મેટ્રીક ટન થઈ જશે, ઉપરાંત નવી ૬૦ હજાર જેટલા લોકો માટે રોજગારીઓનું સર્જન થશે.
આ પ્રસંગે વર્ચ્યુલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલનું આ રોકાણ ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા, વૈશ્વિક મૂડીરોકાણ આકર્ષવાની તેની ક્ષમતા દર્શાવે છે. તેમણે કહ્યું કે, સ્ટીલ સેક્ટર મજબુત થવાથી ઈન્ફાકટ્રકચર, કન્ટ્રકશન, ડિફેન્સ, કેપિટલ ગુડ્સ, એન્જિનિયરિંગ સેકટરનો વિકાસ પણ તેજ ગતિથી આગળ વધે છે. આ પ્રોજેક્ટએ મેક ઈન ઈન્ડિયાના વિઝન માટે મીલનો પથ્થર સાબિત થશે. આત્મ નિર્ભર ભારતને નવી તાકાત આપે છે. સ્ટીલ પ્લાન્ટથી સાથે નવી ટેક્નોલોજી પણ આવી રહી છે જેનાથી ઈલેકટ્રીક સેક્ટર, ઓટો સેકટરને મદદરૂપ બનશે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ૬૦,૦૦૦ કરોડના રોકાણથી દેશના અને ગુજરાતના યુવાઓ માટે રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે. AMNSના હજીરા સ્ટીલ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક ૯ મિલિયન મેટ્રિક ટનથી વધીને ૧૫ મિલિયન મેટ્રિક ટન થઈ જશે. આ પ્રોજેક્ટ વિકસીત ભારતને નવી તાકાત અને ઉંચાઈઓ સુધી લઇ જશે. પાછલા વર્ષોમાં સરકારના સકારાત્મક પ્રયાસોના પરિણામે ભારતની સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝએ દુનિયાની બીજા નંબરની સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ બની છે. જેમાં સરકારની પી. એલ. આઈ. સ્કીમના કારણે સ્ટીલક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. હાઈ ગ્રેડ સ્ટીલના ઉત્પાદન વધારવા તથા આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે મહત્વનો ફાળો આપ્યો છે. આગામી દાયકામાં ક્રુડ સ્ટીલનું ઉત્પાદન ૩૦૦ મિલીયન ટન થાય તેવા લક્ષ્યાંક સાથે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતની નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસીએ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મહત્વની સાબિત થશે તેવો મત પ્રધાનમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે દુનિયાની ભારત પ્રત્યેની અપેક્ષાઓ ખૂબ વધી છે. ભારત ઝડપથી વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને સરકાર આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી નીતિગત વાતાવરણ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાત સરકારને અભિનંદન આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં દૂરંદેશી પગલું સાબિત થશે.
સ્ટીલના ઉત્પાદન માટે પર્યાવરણ ફ્રેન્ડલી ટેકનોલોજીને બળ આપીને કાર્બન ઉત્સર્જન ઓછુ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. હજીરાનો સ્ટીલ પ્લાન્ટ પણ ગ્રીન ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપી રહ્યો છે જે બદલ પ્રધાનમંત્રીશ્રીએ તેમની સરાહના કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ માટે ગુજરાત રાજ્ય રોકાણનું પસંદગીનું ડેસ્ટિનેશન રહ્યું છે. આ મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ નોકરીઓનું સર્જન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગવાન બનાવશે એટલું જ નહીં, સ્થિર અને વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓ અને અજોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અગ્રણી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
મુખ્યમંત્રી એ AM/NS ઈન્ડિયાના આ પ્રોજેક્ટની સફળતાની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સુરત સહિત હજીરા આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત સરકાર AMNS નો આ પ્રોજેક્ટ સમયસર શરૂ થાય તે માટે નિયમાનુસારની પર્યાવરણ ક્લિયરન્સ સહિતની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધિન રહીને આર્સેલર મિતલને સહયોગ કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારના સરકારાત્મક પ્રયાસોના પરિણામે MSMEની સંખ્યા વધીને ૮.૬૬ લાખે પહોચી છે. બે દાયકા પહેલા ૧.૨૫ લાખનું ઔદ્યોગિક ઉત્પાદન આજે રૂા.૧૬ લાખ કરોડથી વધુ થયું છે. જેમાં સ્ટીલક્ષેત્ર ૭૦ હજારનું ટર્નઓવરનો ફાળો આપી રહ્યું છે. વડાપ્રધાનશ્રીએ કંડારેલા માર્ગ પર ગુજરાત આગળ વધી રહ્યું છે. આપણું લક્ષ્ય આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને સાકારિત કરવા તરફ છે. ગ્રીન સ્ટીલમાં મોખરાનું સ્થાન ગુજરાત પ્રાપ્ત કરે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજય સરકારે સોલાર પોલીસી, સેમિ કંડન્ડકરટ, ડ્રી વોન પોલીસી જેવી અનેક બિઝનેસ ફેન્ડલી નિતિઓ ગુજરાતે બનાવી છે. વિદેશી મુડીરોકાણક્ષેત્રે ગુજરાત પ્રથમ પસંદગીનું રાજય રહ્યું છે. સ્ટાર્ટઅપક્ષેત્રે પણ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે દેશના જીડીપીમાં આઠ ટકાનું યોગદાન આપે છે.
આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે કહ્યું હતું કે, સુરત હજીરા પ્લાન્ટમાં નવી ટેક્નોલોજી સાથે ઉચ્ચ ગુણવત્તા યુક્ત સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. દેશના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા ગતિશક્તિ ટ્રેન, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, શીપક્ષેત્રે સ્ટીલનો ઉપયોગ થશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના સફળ નેતૃત્વમાં ટેક્સ રિફોર્મ, GST રિફોર્મ અને ડિઝીટલ પેમેન્ટ થકી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મદદ મળશે. ગ્લોબલ બિઝનેસ માટે ગુજરાત સમગ્ર દુનિયામાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાલ પ્રથમ ફેઝમાં સ્ટીલ ઉત્પાદન સહિતના વિવિધ પ્રોજેક્ટમાં ૬૦,૦૦૦ કરોડના રોકાણ થકી આવનાર સમયમાં ૬૦,૦૦૦થી વધુની રોજગારીની તકોનું સર્જન થશે.
આ વેળા નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વિકાસ એટલે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી પણ નવી ટેક્નોલોજી સાથે નવું રોકાણ અને ઔધોગિક વિસ્તાર માટે અનૂકુળ વાતાવરણનું સર્જન કરવાનું છે.
ગુજરાત માટે ગૌરવપૂર્ણક્ષણ છે કે, નવી ટેક્નોલોજીથી સૌથી વધુ સ્ટીલ ઉત્પાદનનો પ્લાન્ટ હજીરા ખાતે સાકારિત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એરબસ બનશે તેવી ક્યારેય કલ્પના કરી નહોતી. પરંતુ હવે તે પણ ગુજરાતમાં સાકાર થશે. આ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિચારશક્તિને કારણે આ શક્ય બન્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિડીયો માધ્યમથી સંદેશ આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં પ્રતિ વ્યક્તિ દીઠ સ્ટીલની જરૂરિયાત ૫૬ કિલો હતી. જે હાલ ૨૦૨૨માં વધીને ૭૭ કિલોની થઈ છે. ૨૦૩૦માં ૧૬૦ કિલોગ્રામ થશે. ૨૦૪૬ના વર્ષમાં ૨૨૮ કિલોગ્રામની જરૂરીયાતને ધ્યાને લઈ ભારતે તેની ઉત્પાદન ક્ષમતા વધારીને ૧૫૫ લાખ ટન કરી છે. આ અવસરે જાપાનના વેપાર અને ઉદ્યોગ મંત્રી યાસુતોશી નિશિમુરાએ પણ વિડીયો મેસેજ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કૃષિ અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, મુખ્યમંત્રી મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના પ્રતિનિધિ અને પ્રમુખ ઇજી હાશિમોટો, ભારત માટેના જાપાનના ચાર્જ ડી. અફેરેસશ્રી કુનિહિકો કવાઝુ, AM/NSના ચેરમેન આદિત્ય મિત્તલ, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સીઈઓશ્રી દિલીપ ઓમન, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના પ્રતિનિધિ નિયામક અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તાકાહિરો મોરી તથા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.