આંકલાવના મુજકુવા પાસે ટેન્કર અને પીકઅપ વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત- 2ના ઘટનાસ્થળે જ મોત, બે ઘાયલ

Anand Accident: આંકલાવ તાલુકાના મુજકુવા ગામનાં પાટીયા નજીક પુરપાટ ઝડપે પસાર થતા ટેન્કરના ચાલકે, માર્ગ પર સામેથી આવતા પીકઅપ ડાલાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં સવાર ત્રણ મિત્રો પૈકી બે ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે, અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક સહિત બે ને ઈજા પહોંચી છે. આ મામલે આંકલાવ પોલીસે ટેન્કર(Anand Accident) ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહિન્દ્રા પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો
દાવોલ ગામે કૈવલ ચોક ખાતે રહેતા વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલ અને અશોકભાઈ રાવજીભાઈ ગોહેલ સુરત માર્કેટમાં લસણ ધાણા વેચી શનિવારે વહેલી સવારે સુરતથી બોલેરો પીકઅપ વાહનમાં દાવોલ પરત આવવા નીકળ્યા હતા. પીકઅપ વાહન અશોકભાઈ રાયસંગભાઈ ગોહેલ ચલાવી રહ્યા હતા.ત્યારે વહેલી સવારના સાતેક વાગ્યાની આસપાસ તેઓની બોલેરો પીકઅપ વાન આંકલાવથી આસોદર તરફના માર્ગ પર મુંજકુવા ગામના પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી એ દરમિયાન આસોદર તરફથી પૂરપાટ ઝડપે આવી ચઢેલા એક ટેન્કરના ચાલકેપોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી પીકઅપ વાનને જોરદાર ટક્કર મારતા પીકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.

ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું
આ અકસ્માતમાં પીકઅપ વાનનો આગળનો ભાગ લોચો વળી ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને પીકઅપ વાનમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જો કે ગંભીર રીતે ઘવાયેલ અશોકભાઈ રાયસંગભાઈ ગોહેલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અશોકભાઈ રાવજીભાઈ ગોહેલ તથા વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલ સહિત ટેન્કરના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તુરત જ 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત અશોકભાઈ રાવજીભાઈ ગોહેલ તથા ટેન્કરના ચાલકને સારવાર અર્થે આંકલાવના સરકારી દવાખાના ખાતે લઈ જવાયા હતા.

પીકઅપ ડાલાના આગળની કેબિનનો કુચ્ચો વળી ગયો
આ અકસ્માતમાં પીકઅપ ડાલાના આગળની કેબિનનો કુચ્ચો વળી ગયો હતો અને તેમાં સવાર વિજયભાઈ, અશોકભાઈ રાવજીભાઈ ગોહેલ તેમજ અશોકભાઈ રાયસંગભાઈ ગોહેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી અશોકભાઈ રાયસંગભાઈ ગોહેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે, અશોકભાઈ રાવજીભાઈ ગોહેલનું આંકલાવ સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

અમીત વ્હોરા વિરુદ્ધ ગુનો નોંધાયો
આ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલકનું નામ અમીતભાઇ સુલેમાનભાઇ વ્હોરા (મન્સુરી) હોવાનુ અને તેને પણ આ અકસ્માતમાં પગના ભાગે ફ્રેકચર થયેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે ઈજાગ્રસ્ત વિજયભાઈ પ્રતાપભાઈ ગોહેલની ફરીયાદને આધારે આંકલાવ પોલીસે ટેન્કર ચાલક અમીત વ્હોરા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.