લાંચિયા બાબુઓ ક્યારે અટકશે? આણંદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતો રંગેહાથે ઝડપાયો

Ananda Bribe: સરકારી કચેરીમાં લાંચીયા અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે,આણંદ એસીબીની ટીમે આણંદ બોરસદ રોડ પર આવેલ રાજન ગેસ સર્વિસ સ્ટેશન પાસે અરજદારને રેશનકાર્ડમાં અનાજનો સિક્કા માટે રૂા. 1200ની લાંચ(Ananda Bribe) લેતા આણંદ જિલ્લા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને વચેટીયા ઝડપી પાડીને તેમની સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ફરિયાદી પાસે 1200 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી
રેશનિંગ કાર્ડ પર સિક્કો લગાવી આપવાનું કહી રૂપિયા 1200ની લાંચ માંગવામાં આવી હતી. આ અંગે કોમ્પ્યુટર ઓપરેટરે અન્ય મળતિયા સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી લાંચ માંગી હતી. આણંદ બોરસદ રોડ પરની ખાનગી દુકાન પાસે લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જ્યારે મળતિયા નિલેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડવા ACB કામે લાગી હતી.

એસીબીની ટીમએ લાંચનુ છટકુ ગોઠવ્યું હતું
અરજદાર લાંચ આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી સંપર્ક કરી હતી જેથી આણંદ એસીબી પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમે થે લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. અરજદારે નિલેષ ઠાકોરનો સંપર્ક કરી નાણાં આપવાનું જણાવતા તેણએ રાજન ગેસ સર્વિસ સ્ટેશન પર અરજદારને બોલાવ્યો હતો. જેથી અરજદારે રાજન ગેસ સર્વિસ સ્ટેશન જઇને નિલેષ ઠાકોરને રૂ1200 આપતી વખતે એસીબી તેને ઝડપી પાડયો હતો. તેમજ વચેટીયા નિલેષ પરમાર આવ્યો ન હતો તેની તપાસ કરવા છતાં મળી આવેલ નથી જેથી એસીબીએ બંને વિરૂધ્ધ લાંચનો ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.

લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.આ અગાઉ પણ આવા મલાઈ ખાતા અનેક લાંચિયા અધિકારી તેમજ સરકારી કર્મચારીની સામે પગલાં પણ લેવામાં આવ્યા છે.તો પણ આવા જાડી ચામડીના લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા.