આ ગણેશ મંદિરમાં બનાવવામાં આવે છે ઊંધો સ્વસ્તિક, ગણપતિ ઉત્સવ પર દર્શન કરવાથી પૂર્ણ થશે દરેક મનોકામના

Ganesha Temple of Khajrana: મધ્યપ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક મંદિરો માટે જાણીતું છે. આવું જ એક મંદિર ઈન્દોરના ખરજનામાં આવેલું છે. આ પ્રખ્યાત મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. ખજરાના ગણેશ મંદિર તેના ચમત્કારો માટે ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગણેશ મંદિર (Ganesha Temple of Khajrana) સાથે એવી માન્યતા જોડાયેલી છે કે અહીં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા પછી, ભક્તો ભગવાન ગણેશની મૂર્તિની પાછળ ઉંધો સાથિયો દોરે છે અને ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરે છે.

ખોદકામમાં ગણેશજીની પ્રતિમા મળી હતી
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશ ખરજાના સ્થાનિક પંડિત મંગલ ભટ્ટને સ્વપ્નમાં દેખાયા અને તેમને મંદિર બનાવવાનું કહ્યું. તે સમયે હોલકર વંશની રાણી અહિલ્યા બાઈ રાજ કરતી હતી. પંડિતે રાણી અહિલ્યા બાઈને પોતાના સપના વિશે જણાવ્યું. જે પછી રાણી અહિલ્યાબાઈ હોલકરે આ સ્વપ્નને ખૂબ ગંભીરતાથી લીધું અને સ્વપ્ન મુજબ તે જગ્યાએ ખોદકામ કરાવ્યું. ખોદકામ બાદ પંડિતે કહ્યું હતું તે પ્રમાણે જ ગણેશજીની મૂર્તિ મળી આવી હતી. આ પછી અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આજે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થવાની સાથે આ મંદિરે વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી છે.

હોલકર વંશની રાણીએ મંદિર બનાવ્યું હતું:
ઈન્દોરના ખજરાના ખાતે સ્થિત ગણેશ મંદિર 1735માં હોલકર વંશની રાણી અહિલ્યા બાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. માન્યતાઓ અનુસાર, ભક્તો આ મંદિરની ત્રણ વાર પરિક્રમા કરે છે અને મંદિરની દિવાલ પર દોરો બાંધે છે. જો કે દરેક શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, પરંતુ બુધવારે ખજરાના ગણેશ મંદિરમાં ભક્તોની સૌથી વધુ ભીડ હોય છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવા માટે ભક્તો દૂર-દૂરથી અહીં આવે છે. આ દિવસે અહીં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે.

બાપ્પા ટીમ ઈન્ડિયાના સુપર સિલેક્ટર
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ જ્યારે પણ ઈન્દોર આવે છે, તો તેઓ બાપ્પાના આશીર્વાદ લેવા ખજરાના સ્થિત ગણેશ મંદિરમાં ચોક્કસ જાય છે. અજિંક્ય રહાણેએ એકવાર મંદિર પરિસરમાં દર્શન સમયે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખજરાના ભગવાન ગણેશને ટીમ ઈન્ડિયાના સુપર સિલેક્ટર માને છે. બાપ્પાના આશીર્વાદ મેળવ્યા પછી જ તેઓ ટીમમાં સિલેક્ટ થાય છે અને સારું પ્રદર્શન કરે છે.

સંકુલમાં 33 મંદિરો છે
ખજરાના ગણેશ મંદિર પરિસરમાં 33 નાના-મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે. ભગવાન રામ, શિવ, મા દુર્ગા, સાંઈ બાબા, હનુમાનજી સહિત અનેક દેવી-દેવતાઓના મંદિરો છે. મંદિર પરિસરમાં એક પ્રાચીન પીપળનું વૃક્ષ પણ છે. આ પીપળના વૃક્ષ વિશે એવી માન્યતા છે કે તે મનોકામના પૂર્ણ કરનાર વૃક્ષ છે.

ભગવાન શ્રી ગણેશને પ્રથમ આમંત્રણ
દરેક શુભ કાર્ય માટે પ્રથમ આમંત્રણ ભગવાન ગણેશના મંદિરમાં આપવામાં આવે છે. એવી પરંપરા છે કે લગ્ન, જન્મદિવસની ઉજવણી વગેરે જેવા શુભ કાર્યો માટે, ભક્તોને પ્રથમ આમંત્રણ ભગવાન ગણેશના મંદિરમાં આપવામાં આવે છે. ઇન્દોર અને તેની આસપાસના ભક્તો ભગવાન ગણેશને પ્રથમ આમંત્રણ મોકલીને આમંત્રણ આપે છે. નવું વાહન, જમીન કે ઘર ખરીદવા પર ભક્તો ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવીને ભગવાનના આશીર્વાદ લે છે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે અને તમામ કામ શુભ થાય.

ભંડારો
ગણેશ મંદિરમાં ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં દરરોજ હજારો લોકો ભોજન કરે છે. આ સિવાય જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેઓ પોતાના વજનના લાડુનું દાન કરે છે.

બુધવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો આવે છે
આ મંદિર ભારતના પ્રખ્યાત હિન્દુ મંદિરોમાંનું એક છે. બુધવાર અને રવિવારે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે. સ્થાનિક માન્યતા અનુસાર આ મંદિરમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરનો મુખ્ય તહેવાર વિનાયક ચતુર્થી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.