વડોદરામાં અજાણ્યા વાહનચાલકે 21 વર્ષીય યુવાનને અડફેટે લીધો; યુવકનું ઘટનાસ્થળે મોત

Vadodara Acciden: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત થયું છે. એક્ટિવા લઈ સીમંતના (Vadodara Acciden) પ્રસંગમાં જઈ રહેલા યુવાનને કાળ ભરખી ગયો હતો. અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટના સામે આવી
પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના વડજ ગામનો મહંત નિસર્ગ વિપુલભાઈ સાધુ પોતાની એકટીવા લઇ સીમંતના પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ડભોઇ તિલકવાડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસે તેને અકસ્માત નડ્યો હતો.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર પૂરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને અડફેટે લેતાં તે રોડ ઉપર ફંગોળાયો હતો. રોડ ઉપર પટકાતા તેનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું.

એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત
અજાણ્યો વાહન ચાલક તેની એકટીવાને જોરદાર ટક્કર મારી ઘટના સ્થળેથી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એકટીવા ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના થડે દોડી આવી હતી.

આ બનાવ બનતાં જ લોકો એકઠા થઇ ગયા હતા. તે સાથે આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા વડજ ગામના નિસર્ગના મિત્રો પણ દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવવાની જાણ ડભોઇ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારમાં હૈયાફાટ રુદન
યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી ઘટના સ્થળેથી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.તો બીજી તરફ હોસ્પિટલમાં દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.