આણંદના આંકલાવ તાલુકાના આસોદર ગામની હોટલમાં શનિવારે દલિત યુવક બ્રશથી શૌચાલય સાફ કરતો હતો. તે સમયે 6 યુવકોએ તેને શૌચાલય બ્રશથી સાફ કરવાની જગ્યાએ હાથથી સાફ કરવાનું જણાવી તેની સાથે ઝઘડો કર્યો હતો. અને જાતિવાચક શબ્દો બોલીને તેનું અપમાન કર્યું હતું. તથા ગડદાપાટુનો માર પણ મરાયો હતો. જે અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સુત્રો મારફતે મળેલી જાણકારી અનુસાર આ ફરિયાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ટીમના ખાસ માણસો વિરુદ્ધ નોંધાઈ હોવાનું જાણવા મળેલ છે.
આસોદર ગામના હરિવજવાસમાં રહેતા ગણપતભાઇ સોલંકી (હરિજન) ગામી ઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં સફાઈકામ કરે છે. રેસ્ટોરન્ટના બિલ્ડિંગની બાકીની દુકાનો ભાડા પર આપેલી હોવાથી ઉપર-નીચે કોમન સંડાશ-બાથરૂમ આવેલ છે તેમાં પણ સફાઈ કરે છે. શનિવારે શેખરકુમાર તેના કાકા ગણપતભાઇ હરીજન સાથે આસોદરની ઓમ રેસ્ટોરેન્ટમાં ગયા હતા. તે વખતે ગણપતભાઇએ હોટલની બિલ્ડિંગમાં આવેલ બાથરૂમમાં સફાઈ કરવાનું જણાવતા શેખરકુમાર સંડાશ સાફ કરવાનું બ્રશ લઇને સાફ-સફાઈ કરતા હતા. તે વખતે બિલ્ડિંગમાં કોમ્પ્યુટરનું કામકાજ કરવા માટે આપેલ દુકાનની ઓફીસમાં બેઠેલા શીવો પુરોહિત દુકાનની બહાર નીકળેલ અને બાથરૂમમાં પેશાબ કરવા આવેલ.
જણાવેલ કે, તું સંડાશ બાથરૂમ હાથ નાખીને સફાઈ કર જેથી શેખરકુમારે હાથ નાખીને સાફ-સફાઈ કરવાની ના પાડી હતી. જેથી જયકુમાર ઉશ્કેરાઇ ગયો ઉપરાંત કોંગ્રેસી કાર્યકર જય પુરોહિત અને સન્ની પુરોહીત સહીત અન્ય નિકુંજકુમાર મહેશ્વરી, ચીરાગભાઈ ઝાલા મકવાણા, અજયકુમાર પઢીયાર તેમજ જલ્પકુમાર પટેલે ભેગા મળી શેખરકુમાર તેમજ ગણપતભાઇને જાતિવાચક શબ્દો બોલી જાતિ અપમાન કરી શેખરકુમારને ગડદાપાટુનો માર મારી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે શેખરકુમારની ફરિયાદ લઇ આંકલાવ પોલીસે જયકુમાર ઉર્ફે શિવો હેમંતભાઈ પુરોહિત સહિત 6 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.