ગૌરક્ષાની વાતો વચ્ચે આંધ્ર પ્રદેશમાં એક સાથે 100 ગાયોના મોતની ઘટના સામે આવી છે. આંધ્રના કોથારૂની ગૌશાળામાં રાખવામાં આવેલી ગાયો પૈકી આશરે 100 જેટલી ગાયોના ટપોટપ મોત નિપજતા લોકોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે.
એવી શંકા છે કે ગાયોને જે ચારો નાખવામાં આવ્યો તેમાં જ જેર આપવામાં આવ્યું હોઇ શકે છે જેને પગલે જે પણ ગાયોને આ ચારો નાખવામાં આવ્યો હતો તેના મોત નિપજ્યા છે. સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધીમાં આશરે 100 ગાયો મોતને ભેટી છે જ્યારે અન્યોની સ્થિતિ કથળી રહી છે. જે વિસ્તારમાં આ ગૌશાળા આવેલી છે ત્યાં હાલ તંગદીલીનો માહોલ છે અને સરકાર પ્રત્યે લોકોમાં રોશ વધ્યો છે.
અચાનક ગાયોના મોતનું કારણ જાણવા માટે પ્રશાસન દ્વારા તપાસના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. ડોક્ટરોનો દાવો છે કે ગાયોના મોતનું મુખ્ય કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે જ્યારે બીજી તરફ એવી શંકાઓ વ્યક્ત કરાઇ રહી છે કે ગાયોને જે ઘાસ આપવામાં આવ્યું તેમાં જ જેર નાખવામાં આવ્યું હોઇ શકે છે. પોલીસે કહ્યું છે કે તપાસમાં જે પણ દોષી ઠરશે તેને બક્ષવામાં નહીં આવે અને આકરી સજા થશે.
રિપોર્ટ અનુસાર આ ગૌશાળાનું સંચાલન વિજયવાડા ગૌસંરક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. પોલીસે હાલ લોકોને ગૌશાળાની અંદર જવાની મનાઇ ફરમાની છે અને સમગ્ર ગૌશાળાને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
ઘટના સ્થળ પર અનેક રાજનૈતિક પક્ષોના કાર્યકર્તાઓ પણ પહોંચી રહ્યા છે તેથી કોઇ હિંસાની ઘટના સામે ન આવે તેની પણ તકેદારી રાખવા માટે પોલીસને ખડકી દેવામાં આવી છે.
સાથે કોઇ પણ પ્રકારની અફવાઓથી દુર રહેવા માટે પણ પ્રશાસને લોકોને સુચના આપી છે. અન્ય જે પણ ગાયોની સ્થિતિ સારી નથી તેમની સારવાર માટે ડોક્ટરોની એક વિશેષ ટીમ તૈયાર કરીને તેેને ગૌશાળામાં જ તૈનાત કરી દેવામાં આવી છે.
આ ઘટના બાદ અન્ય ગૌશાળાઓની પણ તપાસ ચાલી રહી છે. આ પહેલા પણ અન્ય રાજ્યોમાં પણ ગૌશાળામાં જ ગાયોના મોતની ઘટનાઓ સામે આવી ચુકી છે તેમ છતા સરકાર દ્વારા કોઇ જ મહત્વપૂર્ણ પગલા નથી લેવાઇ રહ્યા જેને પગલે જ આવી ઘટનાઓ વધી રહી છે.