કતારગામ વિસ્તારમાં કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઇ દ્વારા લક્ષ્મી પૂજન બચત યોજનાના નામે સાત વ્યક્તિઓ પાસેથી રૂપિયા 6.45 લાખની ઉચાપત કર્યાની અરજી પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બહુચર નગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ કાનજીભાઈ ભોજ અને સુરત મનપાના ભાજપના કોર્પોરેટર તેમજ એલ.આઇ.સી એજન્ટ અનિલ કાનજીભાઈ ભોજ દ્વારા ચલાવવામાં આવતી લક્ષ્મીપૂજન બચત યોજનામાં લોકોને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ યોજનામાં વેડ રોડ ખાતે રહેતા વિનોદ બોરીચા સહિત તેમના સગા સંબંધીઓના મળીને રૂપિયા ૬ લાખથી વધુ રકમ રોકાણ કરવામાં આવી હતી. જે પાકતી મુદતે અનિલ ભોજે પરત નહીં કરી જો રૂપિયાની માંગણી કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.
વેડ રોડ વિસ્તારની પ્રભુનગર સોસાયટીમાં રહેતા વિનોદ જેરામભાઈ બોરીચા એ એલ.આઇ.સી એજન્ટ તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ ના કોર્પોરેટર અનિલ કાનજીભાઈ ભોજ અને અરવિંદ કાનજીભાઈ ભોજ વિરુદ્ધ સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી ગુનો નોંધવાની માંગણી કરી છે.
અરજીમાં મળતી માહિતી મુજબ અનિલ ભોજ અને તેમના ભાઈ અરવિંદ ભોજ વિનોદ બોરીચા અને તેના પરિવારના સભ્યો મળી સાત જણાએ ઓગસ્ટ, 2017 થી જુલાઈ, 2017 સુધી લક્ષ્મી પૂજન બચત યોજના હેઠળ પ્રતિમાસ રૂ એક હજારથી માંડીને રૂપિયા 5 હજાર સુધીની બચત કરી હતી. મહિનાઓ સુધી દર મહિને આ રકમ મેળવ્યા બાદ પાકતી મુદતે નફા સાથેની રકમ ચૂકવી દેવાનો ભરોસો આપ્યો હતો. પાકતી મુદ્દતે નફાની રકમ પરત માગવા જતા અનિલ ભોજે ગેરવર્તન કર્યું હતું અને જે થાય તે કરી લેવાનું જણાવી નાણા પરત માંગશો તો જીવથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.