અન્ના નો આત્મા ફરી જાગ્યો, લોકપાલ નિયુક્તિ માટે આ તારીખથી ઉપવાસ પર બેસવાની જાહેરાત…

Published on: 5:24 am, Sun, 2 December 18

2014 લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં ભ્રષ્ટાચાર વિરોધી જબરદસ્ત આંદોલન છેડાયું હતું જે મોદી સરકાર આવ્યા બાદ સમેટાઈ ગયું હતું. પરંતુ હવે ફરી એકવાર આ આંદોલનના પ્રણેતા અન્ના હજારે મેદાનમાં આવ્યા છે. 2012 માં સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ભ્રષ્ટાચારની સામે દેશને એકજૂટ કર્યો હતો. તેમના આ આંદોલન પછી લોકપાલ અને લોકાયુક્ત બિલ લાવવામાં આવ્યું હતુ. પરંતુ ત્યારે પણ વધારે કાંઈ ના થયું. હજી સુધી લોકપાલની નિયુક્ત નથી કરવામાં આવી. અન્ના હજારે આ માટે ફરી આંદોલન કરવાના છે.

2012 માં અન્નાએ દિલ્હીના રામલીલા મેદાનમાં આ અનશન કર્યું હતું પરંતુ હવે તેઓએ દિલ્હીને બદલે પોતાના ગામ માં જ અનશન કરશે તેવી જાહેરાત કરી હતી. અન્ના હજારેએ શનિવારે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલની નિયુક્તિ ના થવાના કારણે તેઓ તેમના ગામે 30 જાન્યુઆરીથી ભૂખ હડતાલ કરશે.

આ જાહેરાત પહેલા અન્ના હજારે PM કાર્યાલયમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહને પત્ર લખીને NDA સરકાર પર કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યમાં લોકયુક્તની નિયુક્તિ ના કરવા માટે બહાનું બનાવવાનો આરોપ લગાવ્યો છે.

વધુમાં અન્ના હજારે કહ્યું કે મોદી સરકારે પહેલા કહ્યું કે લોકસભામાં વિપક્ષમાં કોઈ વરિષ્ઠ નેતા ના હોવાના કારણે લોકપાલ નિયુક્ત ના કરી શકાય (જે નિયુક્તિની પ્રક્રિયાનો ભાગ છે) અને બાદમાં કહ્યું કે પંસદગી સમિતિમાં કોઈ પ્રતિષ્ઠિત ન્યાયવાદી નથી. અન્ના હજારેએ કહ્યું કે વર્તમાન સરકારની ભાવના લોકપાલ અને લોકાયુક્ત નિયુક્ત કરવાની નથી.

અહીં ઉલ્લેખનીય છે કે અન્ના હજારે ના સાથી બાબા રામદેવ અને અન્ના હજારે પોતે મોદી સરકાર આવ્યા બાદ કાલા નાણાં અને ભ્રષ્ટાચાર મુદ્દે જે યાદીઓ લઈને ફરતા હતા તે યાદી અને વ્યક્તીઓ ગાયબ છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. અન્ના ના તે સમયના સાથીઓ ની ટિમ વેર વિખેર થઇ ગઈ છે, કોઈ રાજ્યપાલ છે તો કોઈ મુખ્યમંત્રી તો કોઈ ધારાસભ્ય.