Gujarat School Picnic Guideline: વડોદરામાં હરણી ખાતે બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની સ્કૂલ પિકનીક માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે કોઈ પણ સ્કૂલે પ્રવાસનું (Gujarat School Picnic Guideline) આયોજન કરતા પહેલાં રાજ્ય સરકારને રજેરજનો રિપોર્ટ આપી જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગેનો ઠરા રાજ્ય સરકારે કર્યો છે. તેથી હવે સ્કૂલોએ ટુરનું આયોજન કરવું હોય તો સરકારના નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.
સુરક્ષા અને શૈક્ષણિક મહત્વ પર ભાર
‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’માં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વના સ્થળોની મુલાકાત લેવી જોઈએ. આ અંગેના માર્ગદર્શનમાં શાળાઓએ સુરક્ષા સાથે વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભને પણ ધ્યાનમાં લેવું પડશે.
પ્રવાસનું આયોજન કરવા અંગેની ગાઈડલાઈન જાહેર કરાઈ
રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરીએ આજે એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર થાય, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આનંદનો અનુભવ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા અંગેની ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
ગાઈડલાઈન આ મુજબ છે
1. શાળામાં સમિતિની રચના: શૈક્ષણિક પ્રવાસ માટે શાળાના આચાર્યના અધ્યક્ષપદ હેઠળ વાલી પ્રતિનિધિઓના સમાવેશ સાથે એક સમિતિની રચના કરવી. આ સમિતિ પ્રવાસ માટેના સ્થળોની પસંદગી, જોખમો, લાભ-લાભની ચર્ચા કરે છે.
2. અનુમતિ લેવાની રહેશે: રાજ્યની અંદર કે બહારના પ્રવાસ માટે, સંબંધિત અધિકારીઓ પાસે પ્રવાસની તમામ વિગતો સાથે 15 દિવસ અગાઉ મંજૂરી લેવી ફરજિયાત છે.
3. કન્વીનરની નિમણૂક: સમિતિએ એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની ‘કન્વીનર’ તરીકે નિમણૂક કરવી અને મુસાફરીનું આયોજન તેઓ જ નિર્ધારિત કરશે.
4. વાલીઓની સંમતિ: તમામ વિદ્યાર્થીના વાલીઓની સંમતિ લેવી ફરજિયાત છે. આ સંમતિ મિટિંગ દ્વારા અથવા લેખિત સ્વરૂપમાં લેવી.
5. પ્રવાસ મરજિયાત રહેશે: કોઈપણ વિદ્યાર્થી કે વાલી માટે પ્રવાસ મરજિયાત રહેશે, ફરજિયાત નહીં.
6. શિક્ષક અને વિદ્યાર્થીઓની સંખ્યા: 15 વિદ્યાર્થીઓ દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષકની હાજરી સાથે પ્રવાસનું આયોજન કરવું પડશે.
7. સ્વાસ્થ્ય સંબંધી મુદ્દાઓ: શારીરિક કે માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, તેમજ ગંભીર બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને આ પ્રવાસમાં સામેલ નહીં કરાય.
8. મહિલા કર્મચારીઓની ફરજિયાત હાજરી: જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલાઓની સલામતી જાળવવા માટે મહિલા કર્મચારીઓનો સમાવેશ ફરજિયાત છે.
9. પ્રથમ સારવાર અને GPS: પ્રવાસ દરમ્યાન પ્રથમ સારવાર (First-Aid) કીટ સાથે રાખવી જરૂરી છે અને મુસાફરી માટે GPS ટેક્નોલોજી ધરાવતાં વાહનો પસંદ કરવા.
10. ગતિ મર્યાદા અને ડ્રાઈવર પર નિયંત્રણ: વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે ગતિ મર્યાદાનું પાલન કરવું અને કોઈપણ પ્રકારના નશાની હાલતમાં ડ્રાઈવર ન હોય તે સુનિશ્ચિત કરવું.
11. આલ્કોહોલ પર પ્રતિબંધ: પ્રવાસ દરમ્યાન ડ્રાઈવર તેમજ સ્ટાફ દ્વારા આલ્કોહોલ કે કેફી પદાર્થોનો ઉપયોગ ન કરવો.
12. જોખમી પ્રવૃત્તિઓ ટાળવી: એડવેન્ચર કેમ્પ, બોટિંગ વગેરે જોખમી પ્રવૃત્તિઓ પ્રવાસ દરમ્યાન ટાળવી.
13. સ્વચ્છતા અને સલામતી: પ્રવાસ દરમ્યાન સ્વચ્છ અને સલામત રહેવા માટે રાત્રિ રોકાણનું આયોજન પણ કાળજીપૂર્વક કરવું.
14. પ્રવાસ દરમ્યાન ચુસ્ત અમલ: પ્રવાસ દરમ્યાન શાળાના આચાર્ય અને નિમણૂક કરેલા કન્વીનર દ્વારા તમામ સૂચનાઓના ચુસ્ત અમલની તપાસ કરવી જરૂરી છે.
ગુજરાત સરકારની આ નવી માર્ગદર્શક સૂચનાઓ શાળાઓ માટે કડક અમલવારીના હેતુથી જાહેર કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App