નર્મદા બંધ 131.5 મીટરની સર્વોચ્ચ સપાટીએ : જળ સ્તર વધ્યું

નર્મદાના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં નર્મદા નદીમાં મધ્ય પ્રદેશથી આવતો પ્રવાહ વધી જતાં આજે નર્મદાના નીર પહેલીવાર 131.5 મીટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મધ્ય પ્રદેશના સહિતના વિસ્તારમાં પડી રહેલા વરસાદને ધ્યાનમાં લેતા હજી આ નીર બંધની પૂર્ણ ઊંચાઈ એટલે કે 138 મીટરની સપાટીએ પહોંચે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. ગુજરાતમાંથી દુષ્કાળના ઓળા આ સાથે દૂર થયા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદાની વધતી સપાટીના નીરને વધાવવા માટે આજે સવારે જ કેવડિયા પહોંચી ગયા હતા.

હવે સરદાર સરોવર બંધની 138 મીટર સુધી પાણી ભરાય તેની રાહ જોવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પરવાનગી આપી તે પછી પહેલીવાર સરદાર સરોવર બંધ પહેલીવાર પૂરો ભરાયો છે. આ સાથે જ નર્મદા બંધ 131 મીટરની સપાટીના પ્રેશરને ખમી શકવાને સમર્થ  હોવાનું પણ પ્રસ્થાપિત થઈ ગયું છે. નર્મદાના 30માંથી 26 ગેટ ખોલી દેવાયા હતા.

આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પુરોહિતોના મંત્રોચ્ચાર સાથે શ્રીફળ અને ચુંદડીથી વધાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નર્મદાના જળથી બ્રાન્ચ કેનાલો, સુજલામ સુફલામ કેનાલો અને સૌની યોજના હેઠળ આવરી લેવામાં આવેલા જળાશયો ભરી લઈને ખેતીવાડી અને પીવાના પાણી માટેની ગોઠવણ કરવામાં આવશે.

ગુજરાતના કેનાલ નેટવર્કમાં મહત્તમ પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થતાં દુષ્કાળની ચિંતા ટળી ગઈ છે. નર્મદાના નીર હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારમાં સુજલામ સુફલામની 11 પાઈપલાઈનની મદદથી 400 તળાવને ભરી લેવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. સૌની યોજના સાથે સંકળાયેલા બંધોમાં પણ પાણી ડાઈવર્ટ કરવાનું આયોજન કરી લેવામાં આવ્યું છે.

કડાણામાં પાણી વધતા આ કામગીરી વધુ સારી રીતે કરવામાં આવશે. કેનાલોમાં પણ પાણી આગળ પહોંચે અને જે તે વિસ્તારમાં વરસાદ કેવો છે તેને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવી રહ્યા છે. પાણી છોડવાને પરિણામે કોઈપણ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું કે નર્મદાના જળની સપાટી વધી હોવાથી અનેક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સિંચાઈ ખાતાના સૂત્રોનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં ગુરૂવારે દિવસ અને રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડતા સેકન્ડના 4 લાખ ક્યુસેકના ફોર્સથી પાણી આવ્યું હતું. તેથી નર્મદાના બંધમાં પાણીની સપાટી વધીને 131.5 મીટરે પહોંચી હતી.

આ પ્રવાહ આજે સાંજ પછી થોડો મંદ પડવાની સંભાવના છે. કારણ કે આજે દિવસ દરમિયાન નર્મદાના ઉપરવાસના વિસ્તારમાં વરસાદે પોરો ખાધો છે. અત્યારે ગુજરાતના 400થી વધુ તળાવો અને કેનાલો મારફતે જુદાં જુદાં વિસ્તારમાં પાણી છોડવા માટે સેકન્ડના 17000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં સરદાર સરોવરમાં એક સેકન્ડમાં 4,11,490 ક્યુસેક પાણી એકત્રિત થઈ રહ્યું છે. ઉકાઈમાં 4,29,063 ક્યુસેક, કરજણમાં 69,360, હડફમાં 69,000, કડાણામાં 39,443, સુખીમાં 35040, મચ્છનાલામાં 23,049, દમણગંગામાં 22,332, પાનમમાં 22,160, કાલી-2માં 11773, વેર-2માં 9258 ક્યુસેકના ફોર્સથી પાણી જમા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *