રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે અધિસૂચના જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ખતમ કરી દીધી છે. બીજી બાજુ પાકિસ્તાન તરફથી નકારાત્મત નિવેદનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએન)એ હાલ આ મામલે હસ્તક્ષેપ ન કરવા કહ્યું છે. યુએન મહાસચિવ તરફથી સોમવારે નિવેદન આપવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધોની માહિતી મેળવી લેવામાં આવી છે. આ વિસ્તારમાં તણાવની જે સ્થિતિ છે તેના ઉપર અમારી નજર છે. બંને પક્ષનો શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. આ દરમિયાન કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીની ધરપકડ કરી લેવામાં આવી છે.
યુએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુર્જૌરિકે કાશ્મીર મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. જ્યારે તેમને ભારત-પાકના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે સૂચન માંગવામાં આવ્યુ ત્યારે સ્ટીવને કહ્યું કે, આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ છે. જો બંને દેશો (ભારત-પાક) કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ.
આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે, ભારતની કલમ 370 ખતમ થયા પછી અમારી નજર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર છે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન શાંતિ જાળવી રાખે. અમે ભારતનો કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધો અને તેના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગલા કરવાનો નિર્ણય પણ જોયો. ભારતે અમને કહ્યું કે, આ તેમનો અંગત વિષય છે. અમે બંને દેશોને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ.
પાકિસ્તાને યુએન પાસે મદદ માંગી, અમેરિકા સાથે પણ વાત કરી
ભારતીય સંસદમાં થયેલા નિર્ણય પથી પાકિસ્તાનને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. તેની અસર એટલી વધારે હતી કે પાકિસ્તાન સરકારે ધમકી આપતા કહ્યું કે, તેના વિરુદ્ધ શક્ય તેટલા વિકલ્પો શોધીશું. પાકિસ્તાને યુએનને પણ ભારતની ફરિયાદ કરી છે. અમેરિકન પ્રતિનિધિમંડળને પણ ફરિયાદ કરવાની ધમકી આપી છે. કલમ-370માં ફેરફાર પછીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ મંગળવારે સંયુક્ત સત્રને પણ બોલાવ્યું છે. સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ પણ મંગળવારે કોર કમાન્ડોની મીટિંગ બોલાવી છે.
આ દરમિયાન ઈમરાન ખાને આ મુદ્દે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે પણ પોન પર વાત કરી છે.તેમણે મહાતિરને કહ્યું છે કે, કલમ 370 હટાવવાની ભારતની કાર્યવાહી ગેરબંધારણીય છે અને તેથી વિસ્તારમાં સુરક્ષા અને શાંતિ ખોરવાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, ભારતનું આ પગલું ચોંકાવનારુ છે. પાકિસ્તાનને કાશ્મીરમાં કંઈક ખરાબ થવાની શક્યતા છે. પરંતુ મોદી સરકાર પાસેથી આટલા મોટા પગલાંની અપેક્ષા નહતી. જમ્મુ-કાશ્મીરને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત વિસ્તાર માનવામાં આવે છે. તેથી ભારત એક તરફી નિર્ણય લે તે અમને મંજૂર નથી.