આસારામને સુપ્રીમ કોર્ટે આપ્યા શરતી જામીન, જાણો ક્યારે મળશે ભક્તોને?

Asharam Bapu Bail: દુષ્કર્મ કેસમાં આજીવન જેલ ભોગવી રહેલા આસારામ બાપુ ટૂંક સમયમાં જેલથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે 2013માં દુષ્કર્મના એક કેસમાં આસારામ બાપુને (Asharam Bapu Bail) સ્વાસ્થ્ય સંબંધીત સારવાર માટે 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન નહીં કરી શકે. આ ઉપરાંત આસારામ બાપુને પોતાના ભક્તોને મળવાની પરવાનગી પણ આપવામાં આવેલ નથી.

ન્યાયમૂર્તિ એમ એમ સુંદર  અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની પીઠએ આશારામને જેલમાંથી છુટ્યા બાદ પોતાના ભક્તોને ન મળવાનો આદેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે 86 વર્ષે આસારામ હૃદય રોગ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓથી પીડિત છે.

આસારામને 2013માં પોતાના જોધપુર આશ્રમમાં 16 વર્ષેની યુવતી સાથે દુષ્કર્મ કરવાના મામલે દોષિત ગણાવ્યા હતા. 2018માં તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. આ પહેલા પણ ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓને લઈને તેમની સજા રદ કરવામાં આવે તેવી માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

પરંતુ તેઓની આ માંગણીને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. સુપ્રીમ કોર્ટે 2023 માં ગાંધીનગર અદાલત દ્વારા આપવામાં આવેલ આજીવન જેલની સજાને રદ કરવા માટે આસારામની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. આસારામ હાલમાં બળાત્કારના અન્ય એક મામલામાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.

ઓગસ્ટમાં સાત દિવસ માટે આવ્યા હતા જેલથી બહાર
અગાઉ આ પહેલા ઓગસ્ટમાં આસારામને હૃદય રોગની બીમારીનો ઈલાજ કરાવવા માટે જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.હાઇકોર્ટે 13 ઓગસ્ટના રોજ આસારામને પોલીસ કસ્ટડીમાંથી મહારાષ્ટ્રના એક આયુર્વેદિક હોસ્પિટલમાં સાત દિવસ માટે ઈલાજ કરાવવા માટેની પરવાનગી આપી હતી. સાથે જ પેરોલ દેતી વખતે હાઇકોર્ટે કેટલીક શરતો રાખી હતી જેમાં એ પણ સામેલ હતું કે તેની સાથે ચાર પોલીસકર્મી રહેશે, તેમને પોતાની સાથે બે સેવકો રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. તેને પુણેમાં એક પ્રાઇવેટ કોટેજમાં રાખવામાં આવશે અને ઈલાજનો સંપૂર્ણ ખર્ચ અને આવવા જવાના સાથે સાથે પોલીસ વ્યવસ્થામાં થનાર ખર્ચ પણ તેને જ ઉઠાવવાનો રહેશે.