સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Saurashtra Heavy Rains: ગુજરાતમાં હાલમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ખાસ કરીને જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જળબંબાકાર થઈ ગયું હતું. જૂનાગઠમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક(Saurashtra Heavy Rains) ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા.ત્યારે જો વરસાદના આંકડાની વાત કરીએ તો રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના ચાર વાગ્યા સુધીમાં જૂનાગઢના વંથલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો.

જૂનાગઢમાં જળબંબાકાર
જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધી માં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માંગરોળ પંથકમાં જળબંબાકાર થયો હતો. ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમા પુરની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા, માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશન થી ગામ તરફ જતા રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 8 ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે.

10 જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તેના ટ્વટર હેન્ડલ પર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. 10 જિલ્લામાં અત્યાંત ભારે વરસાદ થઈ શકે છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યાંત ભારે વરસાદની આગાહી કરી છે.

માણાવદરમાં ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણાવદરમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી 12મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી 12મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.’

કચ્છ જિલ્લામાં મેઘમહેર
કચ્છના ગાંધીધામ, આદિપુર અને કંડલા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ગાંધીધામમાં એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ વરસાદ પડતાં લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.