રાફેલ કૌભાંડની લિક થયેલી ફાઈલો બાબતે મોદી સરકારને સુપ્રીમનો ઝટકો- વાંચો હકીકત

Published on: 8:00 am, Wed, 10 April 19

રાફેલ કૌભાંડ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમથી મોટો ઝટકો લાગ્યો છે, સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો છે, ત્રણ જજોએ એક મતથી આપેલા નિર્ણયમાં કહ્યું કે જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યાં છે, તેના આધારે કેસમાં રિવ્યુ પિટિશન પર સુનવણી થશે, બેન્ચમાં સીજેઆઇના સિવાય જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફ સામેલ છે, જે હવે સુનાવણીની નવી તારીખ આપશે, કેન્દ્ર સરકારે સુપ્રીમમાં લિક દસ્તાવેજોના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનવણીનો વિરોધ કર્યો હતો, કહ્યું હતું કે આ દસ્તાવેજો વિશેષાધિકાર વાળા ગોપનીય છે, જેથી  રિવ્યુ પિટિશન રદ કરવી જોઇએ.

રાફેલ ફાઇટર પ્લેનોની કિંમતની સાથે દસો એવિએશન દ્વારા અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે, તેની તપાસ થશે, પિટિશનકર્તા અરૂણ શૌરીએ જણાવ્યું કે, અમે કોર્ટમાં દલીલ કરી કે દસ્તાવેજો સુરક્ષાને લગતાં છે તેથી તેની તપાસ થવી જોઈએ, તમે પુરાવા માંગ્યા હતા અને અમે તે પૂરા પાડ્યા છે, તેથી કોર્ટે અમારી અરજીને સ્વીકારી છે, સરકાર પાસેથી દસ્તાવેજ ચોરાઇ ગયા હતા પરંતુ તેની ફોટો કોપીના પુરાવાને આધારે હવે સુપ્રીમ કોર્ટ ફરીથી સુનાવણી કરવા તૈયાર થઇ છે, નોંધનિય છે કે યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે રાફેલના ગુપ્ત દસ્તાવેજોના આધારે સુપ્રીમમાં પુનર્વિચાર અરજી કરી હતી.

રાફેલ મામલે સુનાવણી કરતા આજે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની શરૂઆતી દલીલોને રદ કરી છે. કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પર સુપ્રીમકોર્ટે આજે પોતાની નિર્ણય આપ્યો છે. તેમને કેન્દ્ર સરકારની અરજીને રદ કરી છે. જે રીતે અરજીકર્તાએ રાફેલ ડીલ અંગે દસ્તાવેજો દાખલ કર્યા હતા, તેના પર સુનાવણી કરવાની માંગનો કેન્દ્રં સરકાર વિરોધ કરી રહી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાએ અનિલ અંબાણીની કંપનીને ડેસોલ્ટ ઓફસેટ પાર્ટનર બનાવવા અંગે પણ સવાલ ઉભા કર્યા હતા. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ મામલે સુનાવણી માટે તારીખ નક્કી કરશે, જેમાં અનિલ અંબાણીની કંપની પણ શામિલ છે. આપને જણાવી દઈએ કે અરજીકર્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ મામલે તપાસની માંગ કરી હતી. આ પહેલા કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ડીલ અંગે નિર્ણય લેવા મામલે કોઈ પણ સંદેહ નથી દેખાતો.