વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાતા 2ના મોત, એક ઇજાગ્રસ્ત

Banaskantha Accident: વડાલી રેલવેફાટક પાસે મધરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પોલીસના નેમપ્લેટવાળી સ્વિફ્ટ કાર ઝાડ સાથે કાર ધડાકાભેર (Banaskantha Accident) અથડાતાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

વડાલી રેલવેફાટક પાસે મધરાતે ગંભીર અકસ્માત
ગાંધીનગરથી સ્વિફ્ટ કાર નંબર GJ.18.BR.5153 અંબાજી જઇ રહી હતી. એ દરમિયાન શુક્રવારે રાત્રે 1 વાગ્યાના સમયે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ખેડબ્રહ્મા રોડ પર રેલવેફાટક પાસે ગત રાત્રિના સમયે એક સ્વિફ્ટ કાર અચાનક જ ઝાડ સાથે અથડાઈ હતી. એને લઈને આખી સ્વિફ્ટ કાર બંને તરફથી દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત અન્ય એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક 108માં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માત અંગે વડાલી પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બેનાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બનાસકાંઠાના રામપુરા તાલુકાના રામપુરા ગામના જાટવાસમાં રહેતા 34 વર્ષીય રાજુભાઇ ગોદારા કે જેઓ કાર ચલાવી રહ્યા હતા. તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દાંતા તાલુકાના અંબાજીમાં પંચાલભવન પાસે રહેતા 40 વર્ષીય અમિતકુમાર વણજાણી, જેઓ કારચાલક પાસે આગળની સીટ પર બેઠા હતા, તેમનું પણ ગંભીર ઇજાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી ગબ્બર રોડ પર રહેતા 35 વર્ષીય દિલીપપુરી વસંતપુરી ગૌસ્વામી કારમાં પાછળની સીટમાં બેઠા હતા, જેથી તેઓ કારમાં જ દબાઈ ગયા હતા, એને લઈને તેમને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક 108માં વડાલી સરકારી દવાખાને ખસેડાયા હતા. એ બાદ વધુ સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસના નેમપ્લેટવાળી સ્વિફ્ટના ફુરચેફુરચા
આ અંગે તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ મગનભાઈએ જણાવ્યું હતું કે સ્વિફ્ટ કારનો અકસ્માત રાત્રિના એક વાગ્યાની આસપાસ થયો હતો, જેમાં ઇજાગ્રસ્ત દિલીપપુરી વસંતપુરી ગૌસ્વામી, જેઓ જૂનાગઢ જિલ્લામાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે. કારમાં પોલીસ લખેલી નેમપ્લેટ પણ છે. બનાસકાંઠા જિલ્લાના બે યુવાનના અકસ્માતમાં મોત થયાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ હાલ ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ઇજાગ્રસ્તની ફરિયાદ આધારે કારચાલક સામે ગુનો નોંધી શનિવારે બંને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસે઼ડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.