હાલમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા આવલ ગામ પાસે એક પોલીસકર્મી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બનાવને પગલે ઇજાગ્રસ્ત થયેલ પોલીસકર્મીને સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે જીવલેણ હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી અમીરગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમીરગઢ તાલુકાના આવલ ગામે રહેતા ગોવિંદસિંહ ડાભી ડીસા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. ગઇકાલે મોડી સાંજે તેમના પિતરાઈ ભાઈઓ સહિત ત્રણ લોકો સ્વિફ્ટ કાર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આવલઘુમટી પાસે રસ્તામાં આવતી બનાસ નદીના પટમાં ચાર શખ્સો રોડ વચ્ચે બાઈક લઈને ઉભા હતા. ત્યારે ગોવિંદસિંહે રસ્તા વચ્ચે ઉભેલા બાઇક ચાલકોને સાઈડમાં ખસી જવાનું કહેતા બંને વચ્ચે રકઝક થઈ હતી.
સામાન્ય બોલાચાલી બાદ મામલો થાળે પડતા ગોવિંદસિંહ ડાભી ગાડી લઈને પોતાના ગામ પહોચ્યા હતા જ્યાં આ ચારેય શખ્સોએ તેમની ગાડીને આંતરીને ઊભી રાખી હતી. આ દરમિયાન ગોવિંદસિંહ ડાભી ગાડીમાંથી બહાર ઉતરતા જ ચારેય શખ્સોએ ધારીયા અને લોખંડની પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે તેમના પર ભયાનક હુમલો કર્યો હતો.
જીવલેણ હુમલો કરતાં ગોવિંદસિંહ ડાભીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા તેમના સગાસંબંધીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોર શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ગોવિંદસિંહને સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળ્યું છે કે, આ અંગે અમીરગઢ પોલીસ દ્વારા હુમલો કરનાર 1. ખુમસિંહ હજૂરસિંહ ડાભી, 2. મહેશ્વરસિંહ રંગતસિંહ ડાભી, 3. મહાવીરસિંહ વાદળસિંહ ડાભી, 4. વિનોદસિંહ કંચુસિંહ ડાભી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.