હાલમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રમુખ પદે વિરાજમાન મહંત સ્વામી મહારાજ સુરત કનાદ મુકામે નિર્માણાધિન અક્ષરધામ મંદિર ખાતે સુરતના ભક્તોને સત્સંગ લાભ આપવા આવેલ છે. છેલ્લા બે અઠવાડિયાથી કણાદ અક્ષરધામ મંદિર કેમ્પસ ખાતે થી સત્સંગ ની સુવાસ ફેલાઈ રહી છે.
ગત રવિવારે એક વિશિષ્ટ સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ukraine રશિયા યુદ્ધ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ માંથી બીએપીએસ સંસ્થાની મદદથી હેમખેમ સુરત પરત ફરેલા 25 જેટલા યુવાનો હાજર રહ્યા હતા. જેમણે બીએપીએસ સંસ્થા અને મહંત સ્વામી મહારાજ નો અંતરથી આભાર માન્યો હતો અને આશીર્વાદ મેળવ્યા હતા. આ વિદ્યાર્થીઓના પ્રતિનિધિરૂપ એ બે વિદ્યાર્થીઓએ પોતે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તેનો ચિતાર વર્ણવ્યો હતો. વિદ્યાર્થીઓએ મહંત સ્વામી મહારાજ અને બ્રહ્મ વિહારી સ્વામી દ્વારા મોડી રાત સુધીના ઉજાગરા કરીને પણ વિદ્યાર્થીઓની સતત ચિંતા કરી અને મદદ કરી તે બાબતે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુક્રેનની અલગ-અલગ બોર્ડર પર આવેલા પોલેન્ડ, રોમાનિયા, હંગેરી જેવા દેશમાં મદદ પહોંચાડવા બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામી ને ફોન કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ બીએપીએસના સ્વયંસેવકો બોર્ડર પર પહોંચી જઈને સેવાયજ્ઞ કરી દીધો હતો. BAPS સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી મોદી ના ફોન આવ્યા પહેલા જ આયોજન શરૂ કરાઈ ચૂક્યું હતું. જેને પગલે યુક્રેન માંથી બહાર આવતા ભારતીય અને અન્ય દેશના નાગરિકોએ પણ બીએપીએસ સંસ્થાના સેવાયજ્ઞનો લાભ લીધો હતો અને ભારત પહોંચવા સુધી બીએપીએસ સંસ્થાએ મદદ પણ કરી હતી.
બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકો યુરોપ અને અમેરિકા સહિતના દેશો થી આ સેવાયજ્ઞમાં મહંત સ્વામી મહારાજના આદેશથી જોડાઈ ગયા હતા. તેઓએ ગરમાગરમ ભોજન પાણી, બ્લેન્કેટ, પથારી, મેડિકલ, કપડા આદિ સહાય કરી હતી. આ યુદ્ધના વિકટ સમયે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી અલગ-અલગ 11 દેશોમાંથી 58 પુરુષ અને છ મહિલા સ્વયંસેવકો મળી કુલ 64 સ્વયંસેવકોએ બોર્ડર પર ખડે પગે શરણાર્થીઓની સેવા કરી હતી. દરરોજ 800 થી 1 હજાર લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને ભૂખ્યા-તરસ્યા અને નિઃસહાય શરણાર્થીઓને રાહત આપી હતી.