BCCIનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: રોહિત-કોહલી સાથે બે ગુજરાતી ખેલાડી A+ ગ્રેડમાં, ઈશાન-અય્યરની વાપસી

BCCI Central Contract 2025: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ટીમ ઈન્ડિયાના વાર્ષિક (BCCI Central Contract 2025) કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને A+, A, B અને C કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. A+ કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા, A કેટેગરીને 5 કરોડ, B કેટેગરીને 3 કરોડ અને C કેટેગરીને 1 કરોડ રૂપિયા સેલેરી આપવામાં આવશે.

A+ કેટેગરી
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ કેટેગરીમાં સ્થાન મળ્યું છે, જે ટોચની કેટેગરી છે. આ ખેલાડીઓની ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ છતાં તેમનું સ્થાન જળવાયું છે.

A કેટેગરી
A કેટેગરીમાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંતનો સમાવેશ થાય છે. ઋષભ પંતને 2023-24માં B કેટેગરીમાંથી પ્રમોશન આપવામાં આવ્યું છે, જે તેમની ઈજામાંથી શાનદાર વાપસી દર્શાવે છે.

B કેટેગરી
B કેટેગરીમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ છે. શ્રેયસ અય્યરની વાપસી નોંધપાત્ર છે, કારણ કે તેમને અગાઉ 2023-24માં રણજી ટ્રોફીમાં ભાગ ન લેવા બદલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

C કેટેગરી
C કેટેગરીમાં 19 ખેલાડીઓ સામેલ છે, જેમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટિદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. ઈશાન કિશનની પણ વાપસી થઈ છે, જે અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ ન લેવા બદલ બાકાત રાખવામાં આવ્યા હતા. નવા ચહેરાઓમાં નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી ચર્ચાનો વિષય છે, કારણ કે તેમને 2023-24માં ડોમેસ્ટિક ક્રિકેટ પ્રત્યે ઉદાસીનતા બદલ સજા થઈ હતી. રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ બાદ ઋષભ પંતને A કેટેગરીમાં પ્રમોશન મળ્યું છે. શાર્દુલ ઠાકુર, કેએસ ભરત, અવેશ ખાન અને જીતેશ શર્માને આ વખતે કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.જ્યારે ગ્રેડ Cમાં ટી-20 નિષ્ણાતો અને યુવા ખેલાડીઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતની ટી-20 ટીમની ભાવિ યોજનાઓ દર્શાવે છે.

ખેલાડીઓએ ઓછામાં ઓછા 3 ટેસ્ટ, 8 વન-ડે અથવા 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવી જરૂરી છે, જેથી તેઓ આપોઆપ C કેટેગરીમાં સામેલ થઈ શકે. BCCIના આ કોન્ટ્રાક્ટ ખેલાડીઓની કામગીરી, સાતત્ય અને ટીમમાં યોગદાનના આધારે આપવામાં આવ્યા છે, જે ભારતીય ક્રિકેટના મજબૂત ભવિષ્યનો સંકેત આપે છે.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓને આ રીતે પૈસા મળે છે
ગ્રેડ A+ – વાર્ષિક 7 કરોડ રૂપિયા
ગ્રેડ A – વાર્ષિક 5 કરોડ રૂપિયા
ગ્રેડ બી – વાર્ષિક 3 કરોડ રૂપિયા
ગ્રેડ સી – વાર્ષિક 1 કરોડ રૂપિયા

બીસીસીઆઈના નિયમો મુજબ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એવા ખેલાડીઓને આપવામાં આવે છે જેમણે એક સીઝનમાં 3 ટેસ્ટ મેચ અથવા 8 વનડે અથવા 10 ટી20 મેચ રમી હોય. પરંતુ આ વખતે બોર્ડે આમાં છૂટ આપી છે. ઉદાહરણ તરીકે હર્ષિત રાણાએ ભારત માટે બે ટેસ્ટ, પાંચ વનડે અને એક ટી20 મેચ રમી છે.