ભાઈબીજ એટલે ભાઈ-બહેનનો સ્નેહ ભરેલો એક અનોખો તહેવાર; જાણો તેની પૌરાણિક કથા

Bhai Dooj 2024: દર વર્ષે કારતક માસના સુદ પક્ષની બીજી તિથિએ ભાઈબીજ ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. ભાઈ-બહેનના સંબંધોનું પ્રતીક ભાઈ બીજ, સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય (Bhai Dooj 2024) અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. તમામ જગ્યાએ ભાઈબીજ માટેની અલગ અલગ માન્યતાઓ પ્રવર્તી રહી છે. ઉત્તર ભારતમાં બહેનો ભાઈઓને તિલક અને અક્ષત લગાવીને નારિયેળ ભેટમાં આપે છે. પૂર્વીય ભારતમાં બહેનો શંખનાદ પછી તિલક લગાવીને ભેટ આપે છે. આ દિવસે બહેનો ભાઈઓના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને ભોજન કરાવ્યા પછી વ્રત ખોલે છે.

ભાઈબીજ શા માટે ઊજવવામાં આવે છે?
ભાઈબીજના દિવસે ભાઈને તિલક કર્યા પછી ભોજન કરાવવાની ધાર્મિક માન્યતા છે. કહેવામાં આવે છે કે, બહેનો આ દિવસે શ્રદ્ધા અને આદરપૂર્વક ભોજન કરાવે છે. જે ભાઈઓ બહેનના આતિથ્યનો સ્વીકાર કરે છે, તેમની તમામ ઈચ્છા પૂર્ણ થાય છે અને યમરાજનો ભય રહેતો નથી. આ દિવસે બહેનના ઘરે ભાઈ ભોજન કરે તો અકાળ મૃત્યુનું જોખમ દૂર થાય છે. ઉપરાંત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે.

યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા
ભાઈબીજની પૌરાણિક કથા સ્કંદપુરાણ અનુસાર ભગવાન સૂર્ય અને તેમના પત્ની સંજ્ઞાને બે સંતાન હતા. યમરાજ પાપીઓને દંડ આપતા હતા. યમુના મનથી પવિત્ર હતા અને તે લોકોને દુખી જોઈ શકતા નહોતા, આ કારણોસર તે ગોલોકમાં રહેતા હતા. એક દિવસ યમુનાએ તેના ભાઈ યમરાજને ગોલોકમાં ભોજન માટે આમંત્રણ આપ્યું, તો બહેનના ઘરે જતા પહેલા યમરાજે નરકવાસીઓને મુક્ત કરી દીધા હતા.

અન્ય પૌરાણિક કથા
બીજી કથા અનુસાર ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી તેમની બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઊજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, સુભદ્રાની જેમ ભાઈના માથા પર તિલક લગાવીને સત્કાર કરવાથી ભાઈ અને બહેન વચ્ચેનો પ્રેમ ગાઢ થાય છે. આ દિવસે ભાઈ અને બહેને યમુનામાં સ્નાન કરવાની માન્યતા છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક પાપોની માફી માંગવામાં આવે તો યમરાજ ક્ષમા કરી દે છે. ભગવાન કૃષ્ણ અને સુભદ્રાની વાર્તા અન્ય દંતકથા અનુસાર, ભાઈ બીજના દિવસે, ભગવાન કૃષ્ણ રાક્ષસ નરકાસુરનો વધ કરીને દ્વારકા પાછા ફર્યા. આ દિવસે ભગવાન કૃષ્ણની બહેન સુભદ્રાએ ફળો, ફૂલો, મીઠાઈઓ અને ઘણા દીવાઓ પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. સુભદ્રાએ તેમના માથા પર તિલક લગાવીને ભગવાન કૃષ્ણના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. આ દિવસથી ભાઈબીજના અવસરે બહેનો ભાઈઓના કપાળ પર તિલક કરે છે અને ભાઈઓ તેમને ભેટ આપે છે.

ઉપાય
ભાઈબીજના દિવસે સંધ્યાકાળ સમયે માટીના નાના કળશમાં જળ ભરીને ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ મૂકવું
કળશ ઉપર સરસવના તેલનો 4મુખી વાટનો દીવો પ્રગટાવવો.
ઘરના તમામ લોકોના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરવી.
બીજા દિવસે એટલે કે કારતક સુદ ત્રીજના દિવસે ઘરના દરેક ખૂણે કળશના જળનો છંટકાવ કરવો.
માન્યતા અનુસાર આ પ્રયોગથી યમદેવ પરિવારજનોને સ્વસ્થ અને દીર્ઘ જીવનના આશિષ પ્રદાન કરશે.