રાજકોટમાં 10 વર્ષથી ચાલતા ‘ભૂવાના ભવાડા’નો પર્દાફાશ: લોકોનાં દુઃખ-દર્દ દૂર કરવાના નામે 35000 ફી વસૂલતો

Rajkot Bhuva News: રાજકોટ શહેરમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પાખંડી ભૂવાએ ગરીબ પરિવારને પોતાની વાતોમાં (Rajkot Bhuva News) ફસાવીને 50 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા છે. આ પરિવારે ભૂવાને વિધિ કરવા માટે રૂપિયા આપવા માટે તેમની રિક્ષા પણ વેચી દીધી હોવાનું જણાવ્યું છે. આ ભુવો વીડિયો મારફતે પણ વિધિ કરાવતો હતો. આ અંગેની જાણ થતાં વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે. પોલીસે ભૂવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા ભૂવાને લાફો ઝીંકી દીધો હતો.

પરિવારની આપવીતી
જે પરિવાર સાથે આ ભૂવાએ છેતરપિંડી કરી તે પરિવારની મહિલાએ પોતાની આપવીતી મીડિયાને જણાવી હતી. જેમાં તેમણે કહ્યું છે કે, “અમારા ઘરમાં તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભૂવાનો સંપર્ક કર્યો હતો. એની ફી 5100 રૂપિયા છે. જે બાદ અમને અલગ અલગ તકલીફો જણાવીને 40થી 45 હજાર રૂપિયામાં ઉતારેલા છે. અમારી સાથે છેતરપિંડી કરી છે. અમે એક બે વાર તેને ગુગલ પે કર્યા છે અને કેટલીક વાર રોકડા રૂપિયા પણ આપ્યા છે.

રિક્ષા વેચીને રૂપિયા આપ્યા
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ છે કે, અમારી પાસે ભૂવાને આપવા માટે રૂપિયા ન હતા તો રિક્ષા વેચીને એને રૂપિયા આપ્યા છે. જેનાથી અમે વ્યાજના કર્જામાં છીએ. એ પહેલેથી જ કહેતો હતો કે તમારું સારું થઈ જશે પરંતુ કાંઈ સારું થતું નથી. જેથી અમે અમારા રૂપિયા પણ પાછા માંગ્યા હતા પરંતુ તેણે એ પણ નથી આપ્યા. અમે વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા છીએ.”

રૂપિયા માંગ્યા તો ધમકી આપી
મહિલાના પતિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે રૂપિયા માંગીએ છીએ તો તે અને તેનો ભાઈ અમને રસ્તા પર આવીને ધમકી આપે છે અને કહે છે કે, ‘જે થાય તે કરી લો. જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી લો.”

ભૂવા પાસે જતા પહેલા વિચારજો
પરિવારે છેલ્લે અપીલ કરતા જણાવ્યું છે કે, “અમારી જાહેર જનતાને અપીલ છે કે, આવા ભૂવા પાસે જતા પહેલા સાત વાર વિચાર કરજો.”