એક બાજુ રૂપાણી સરકાર ગતિશીલ ગુજરાતના પોકળ દાવા રોકી રહી છે ત્યારે બીજી બાજુ સરકારની કામગીરી બિલકુલ કાચબા ગતિએ ચાલતી હોય તેવું જણાઈ રહ્યું છે. એમાંય ખાસ કરીને સુરત જેવા મહાનગર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્માર્ટ શહેર બનાવવા ઈચ્છી રહ્યા છે, ત્યારે તેમના આ અરમાનો ઉપર સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જ પાણી ફેરવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનર બંને વહીવટની બાબતમાં જરૂરિયાત કરતાં વધારે શિથિલ વહીવટ કરતા હોવાનું જાણવા મળ્યું છે, કારણકે કેટલાય વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય છે, એમાંય ખાસ કરીને સુરતના મેયર ડો. જગદીશ પટેલના વિસ્તારમાં જ રસ્તાઓના વિકાસની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે જેનો બોલતો પુરાવો પ્રાપ્ત થયો છે.
મેયર જગદીશ પટેલના વિસ્તારમાં સિંગણપુર ચોકડીથી કોઝવે રોડ ઉપર જવાના રસ્તા ઉપર કોમ્યુનિટી હોલ અને શાકમાર્કેટની વચ્ચે રોડ ઉપર છેલ્લા એક અઠવાડિયાથી ભૂવો પડ્યો છે ત્યારે આ ભુવા ને પૂરીને તેનું સમારકામ કરવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા કામ પ્રગતિમાં છે એવું જાહેર સૂચના નું બોર્ડ લગાવવામાં આવ્યું છે પણ હકીકતમાં અહીં પ્રગતિમાં કોઈ કામ હોય તેવું દેખાતું નથી. જો મહાનગરપાલિકા એક સામાન્ય ભુવો પૂરતા એક અઠવાડિયું કરતી હોય તો પછી અન્યની તો વાત જ શી કરવી?
આમ પણ સુરતના કતારગામ વિસ્તાર સાથે મહાનગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. જોકે આ વિસ્તારએ બે મેયર આપ્યા છે, પરંતુ આ મેયર ખુદ કદાચ ધીમી ગતિની કામગીરીમાં માનતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમજ મેયરને જ પોતાના વિસ્તાર પ્રત્યે કોઈ પણ પ્રકારનો લગાવ ન હોય તેવું આ વિસ્તારની સગવડો ને જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રજૂઆતો કરવામાં આવે છે ત્યારે રજૂઆત કરનારને માત્ર નિયમ પ્રમાણે થઈ જશે એટલું જ જણાવવામાં આવે છે. ત્યારે જો આમને આમ ચાલ્યા કરશે તો પ્રધાનમંત્રી નું સ્માર્ટ શહેરો નું સ્વપ્ન કેવી રીતે પૂરું થશે?