બિટકોઇન તોડકાંડના આરોપી ધારીના પૂર્વ MLA નલિન કોટડિયાને મોટી રાહત, હાઇકોર્ટે આપ્યાં જામીન

Published on: 2:45 pm, Fri, 3 May 19

સુરતના કરોડો રૂપિયાના બિટકોઇન તોડકાંડમાં ભાજપના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે તેના કાયમી જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે 1 વર્ષ સુધી કોટડિયા અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. બિટકોઇન પર કોઇ દાવો પણ કરી શકશે નહીં. સુરત અને અમરેલીમાં બિટકોઇન કૌભાંડ બહુ ચર્ચાયું હતુ.

CID ક્રાઈમમાં નોંધાયેલી બિટકોઇન કેસની કુલ ત્રણ ફરિયાદમાંથી પહેલી ફરિયાદ કરનાર સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનો આરોપ છે કે અમરેલી પોલીસ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ મળીને તેમનું ગાંધીનગરથી અપહરણ કર્યું હતુ અને 12 કરોડ રૂપિયાના બિટકોઇન વોલેટમાંથી પડાવી લીધા હતા. રાજધાની હોટેલથી અપહરણ કરીને તેમને ચિલોડા પાસેના ફાર્મ હાઉસ લઈ ગયા હતા.ત્યા શૈલેષ ભટ્ટને માર માર્યો હતો અને બિટકોઇન પડાવી લીધા હતા.

સમગ્ર કાંડમાં 32 કરોડ રૂપિયાના બિટકોઇન પડાવવાનું નક્કિ કરાયું હતુ. અંતે 12 કરોડના બિટકોઇન પડાવી લેવાયા હતા. જેનું વેચાણ કરીને કિરીટ પાલડિયા, પોલીસ અધિકારી જગદીશ પટેલ અને કોટડિયાએ રોકડા રૂપિયા મેળવી લીધા હતા. જેમાં કોટડિયાના ભાગમાં 66 લાખ રૂપિયા આવ્યાં હતા. આ રૂપિયા પી.ઉમેષ આંગડિયા મારફતે લેવામાં આવ્યાં હતા.નોંધનિય છે કે કોટડિયાની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરાઇ હતી.