હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી મંદી! 17 લાખ રત્ન કલાકારો સંકટમાં

Surat Diamond Industry: ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. 17 લાખ કર્મચારી હીરા (Surat Diamond Industry) પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે.

20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો
બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઈન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે. જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની ડાયમંડની નિકાસ થતી હતી.

વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે. જે વર્ષ 2024 પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. રત્નકલાકારોને મદદની જરૂર છે આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે ત્યારે સરકારે રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓએ પણ જરૂરિયાતમંદ રત્નકલકારોને મદદ કરવી જોઈએ.

ફિક્સ પગારના કર્મીઓના પગાર 40 ટકા સુધી ઘટ્યા
​​​​​​​લેસર કટના કારીગરોના પગારમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. ગેલેક્સી પ્લાનિંગમાં કારીગરને 30થી 40 હજાર પગાર અપાતો, જે હાલ 20 હજાર આસપાસ અપાય છે. તેવી જ રીતે સરિન મશીન, બુટર મશીનમાં કામ કરતા રત્નકલાકારોના પગારમાં પણ 50થી 30 ટકા સુધી પગાર કાપ મૂકવામાં આવ્યો છે.

રશિયન કંપનીએ રફ હીરાનો ભાવ 10% ઘટાડ્યો
રફનું ટ્રેડિંગ કરતી ડિ-બીયર્સએ રફ હીરાના ભાવોમાં 10થી 15 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે રશિયાની કંપની અલરોઝાએ પણ 10 ટકા સુધી રફ હીરાના ભાવોમાં ઘટાડો કર્યો છે. 2 વર્ષમાં તૈયાર હીરાના ભાવ ઘટ્યા હત પરંતુ રફ હીરાના ભાવો ન ઘટતાં હીરા વેપારીઓને નુકસાની કરવી પડતી હતી.