વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કર્યો છાણમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ

Ahemdabad Biogas Plant: શહેરના માર્ગો ઉપર રખડતાં પશુ પકડીને મ્યુનિ.ના જુદા જુદા ઢોરવાડામાં રાખવામાં આવે છે, જ્યાં છાણમાંથી વિવિધ ચીજવસ્તુ બનાવવાના (Ahemdabad Biogas Plant) પ્રોજેક્ટ ઉપરાંત હવે બાયોગેસ ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ પણ લગાવી દેવાયો છે, જેમાંથી દરરોજ 40 યુનિટ વીજળી ઉત્પન્ન થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

64 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો
બાકરોલ અને દાણીલીમડા કરૂણા મંદિર ખાતે રૂ. 64 લાખના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. રોજનો 1 ટન પશુના છાણ, ઘાસચારા વગેરેના ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી દૈનિક ધોરણે 50 કિ.ગ્રા. બાયોગેસ જનરેટ થશે. જેનો ઉપયોગ કોમ્યુનિટી કિચન, કેન્ટીન વગેરેમાં કરી શકાશે. કરૂણા મંદિરની મુલાકાતે ગૌ-વંશની સેવા અર્થે આવનારા મુલાકાતીઓ માટે ચા-કોફી, નાસ્તો કરવા કેન્ટીનમાં બાયોગેસનો ઉપયોગ કરવા આયોજન કરાશે.

રખડતા ઢોરને કરૂણા મંદિરમાં રખાઈ છે
રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા પશુઓનો પકડી દાણીલીમડા અને બાકરોલ કરૂણા મંદિરમાં રાખવામાં આવે છે. કરૂણા મંદિરમાં દૈનિક ધોરણે 2500 કિ.ગ્રા જેટલુ છાણ- ગ્રીન વેસ્ટ જનરેટ થાય છે.

Net Zero Cellની ગાઇડલાઇન મુજબ જનરેટ થતા છાણમાંથી રીસોર્સ, એનર્જી, રીયુઝ કરી છાણમાંથી વિવિધ પ્રોડકટસ્ બનાવવામાં આવે છે. દૈનિક ધોરણે જનરેટ થતાં છાણને મ્યુનિ. કોર્પોરેશનના બગીચા ખાતાની ગ્યાસપુર ખાતેની સાઇટમાં લઇ જઇ ખાડો કરી આ છાણ રાખવામાં આવે છે. નિયત સમય બાદ તે સુકાય જાય છે.

આ પ્રક્રિયા થયા બાદ તૈયાર થતા ખાતરનો મ્યુનિ. કોર્પોરેશનના 62 જેટલા ગાર્ડનમાં દૈનિક ધોરણે 1500 કિ.ગ્રાથી પણ વધારે ખાતર તરીકે રોપા ઉછેર, નર્સરી, સોઈટ એનરીચર, તરીકે હાલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી દૈનિક ધોરણે છાણ- સૂકા ઘાસનો ઉપયોગ કરી છાણાં, સ્ટીક, ખાતર વિગેરે બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વૈદિક હોળી તથા શહેરના સ્મશાનોમાં અંતિમવિધિમાં થાય છે.