વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને ભાજપના આગેવાન અને પૂર્વ નગરપતિએ આજે તમાચા મારી દીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં માત્ર શુકવારે જ ૧૦ વ્યક્તિની લિમિટમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપવામાં આવતા હોય, આ બાબતે વાંકાનેર શહેરની કોઇ વ્યક્તિને આ દાખલા બાબતે પ્રશ્ન ઉભો થતા તેમને જીતુ સોમાણીને જાણ કરતા તેઓ હોસ્પિટલ પહોચ્યા હતા. આ બાબતે ડૉકટર સાથે વાતચિતમાં જીતુભાઇ સોમાણીની કમાન છટકી હતી અને બે-ત્રણ ફડાકા ઝીકી દીધા હતા. આ બનાવની વાંકાનેર પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મામલો થાળે પાડયો હતો. અને હોસ્પિટલમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વૃદ્ધોને પેન્શન મેળવવા માટે સરકારી હોસ્પિટલમાંથી ઉંમરનું પ્રમાણપત્ર કઢાવવું ફરજિયાત હોય છે પણ વાંકાનેરના સરકારી હોસ્પિટલમાં દર શુક્રવારે આ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે.
દર શુક્રવારે પણ માત્ર 10 જ વૃદ્ધોને ઉંમરના પ્રમાણપત્ર કાઢી આપતા હોવાથી અસંખ્ય વૃદ્ધોને વારંવાર હોસ્પિટલમાં ધક્કા ખાવાથી હેરાનગતિ ભોગવવી પડી રહી છે. આથી કેટલીક વૃધ્ધ મહિલાઓએ વાંકાનેરના ભાજાપના અગ્રણી જીતુભાઈ સોમાણીને રજુઆત કરીને સરકારી હોસ્પિટલમાં ઉંમરના પ્રમાણ પત્ર કાઢવવામાં પડતી મુશ્કેલીઓ બાબતે રજુઆત કરી હતી.
જીતુભાઈ સોમાણીએ સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ગોસાઈને ફોન કરીને વૃદ્ધોને પડતી હાલાકી દૂર કરવા જણાવ્યું હતું. આ બાબતે ડૉકટર અને જીતુભાઇ વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી. જેમા જીતુભાઇનો પિત્તો છટક્યો હતો. તેમણે હોસ્પિટલમાં જઈને ગોસાઈ સાહેબને ફડાકા ઝીકી દીધા હતા. આ ઘટનાથી સરકારી હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો અને પોલીસ પણ દોડી આવી હતી.
આ અંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ગોસાઇએ વાંકાનેર શહેર પોલીસમાં જીતુભાઇ કાંતિલાલ સોમાણી વિરોધ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર શહેર પોલીસે આઈપીસી કલમ 186, 332, 504, 506(2) મુજબ ગુનો નોંધ્યો છે.