ભાજપ નેતાની ગેરકાયદે બનાવાયેલી શાળા SMC એ વિપક્ષના વિરોધ બાદ નાછૂટકે સીલ કરવી પડી

Surat Arihant Academy School: સુરત શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે.આમ તો જો સામાન્ય નાગરિક નાનું અમથું કોઈ બાંધકામ કરે તો પાલિકાના કર્મચારીઓ તેની નીંદર બગાડી નાખે છે. પરંતુ જો સત્તા પક્ષતા લોકો આ બાંધકામ કરે તો અધિકારીઓ(Surat Arihant Academy School) આવા બાંધકામ સામે આંખ આડા કાન” કરે છે.જેનો ઉત્તમ નમૂનો સુરતના ગોડાદરા વિસ્તારમાં જોવા મળ્યો છે

અરીહંત એકેડમી સ્કૂલના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ
ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારી દ્વારા પોતાની અરીહંત એકેડમી સ્કૂલના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવા છતાં પાલિકા અધિકારીઓએ આ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કર્યા હતા.”અરિહંત એકેડેમી સ્કુલ” અંગ્રેજી અને હિન્દી માધ્યમની નર્સરી થી લઈને ધો.12 સુધીનાં વર્ગો કાર્યરત છે અને આશરે 1500 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા જેમાં પ્રથમ શાળાનાં સંપૂર્ણ બાંધકામની કાયદેસરતા અને શાળા બાંધકામ માટે અત્યંત જરૂરી BUC છે કે નહિ એ તપાસવાની અત્યંત જરૂર છે.

અસલમ સાઇકલવાલાએ કર્યા આક્ષેપો
આ શાળાનાં મુખ્ય સંચાલક ટ્રસ્ટી અનુરાગ કોઠારી છે.અનુરાગ કોઠારી હાલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા નિયુક્ત સભ્ય છે અને ભાજપનાં અગ્રણી આગેવાન હોય પોતાના પદનો દુરપયોગ કરીને તથા સ્થાનિક ચૂંટાયેલ ભાજપનાં જનપ્રતિનિધિઓનાં કોઠારી પર સીધા આશીર્વાદ હોવાના કારણે ભાજપમાં સક્રિય હોય એટલે ખાનગી શાળાનાં બાંધકામ માટેનાં કોઈપણ પ્રકારનાં નીતિનિયમો પાળવા નહી એવા જન્મસિદ્ધ અધિકાર અને સિદ્ધાંત સાથે ગોડાદરા સ્થિત “અરિહંત એકેડેમી” શાળાનાં વર્ષ 2018થી ગ્રાઉન્ડ અને તેની ઉપર બે માળ હતા તેમાં શાળામાં અભ્યાસ કરતા આશરે 1500 કરતા વધુ વિદ્યાર્થીઓની કોઈપણ પ્રકારની સુરક્ષા અને સલામતીની ચિંતા કર્યા વગર માર્ચ 2024માં વધુ બે માળનાં ગેરકાયદેસર બાંધકામનું નિર્માણ કાર્ય ચાલુ છે.અનુરાગ કોઠારી દ્વારા પોતાના પદનો દુરપયોગ કરી પોતાની રાજકીય શક્તિનો પરિચય આપતાં હોય એમ બન્ને તારીખે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી નથી તેવા આક્ષેપો અસલમ સાઇકલવાલા દ્વારા કરવામાં આવ્યા છે.

બાળકોના ભવિષ્ય સાથે ચેડાં
આગળ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા સાઉથ – ઈસ્ટ (લિંબાયત) ઝોન દ્વારા “અરિહંત એકેડેમી” શાળાનાં ગેરકાયદેસર બાંધકામનું બે વાર ડીમોલેશન કરવા છતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આ ભાજપી નેતા અનુરાગ કોઠારી માત્રને માત્ર પોતાની આર્થિક ભૂખ સંતોષવા સુરત મહાનગરપાલીકાનાં શાળા બાંધકામ માટેનાં જરૂરી તમામ નીતિનિયમોને નેવે મૂકીને હાલમાં પણ સ્થળ પર ગેરકાયદેસર બાંધકામ કાર્યરત છે.સદર શાળાનાં ગેરકાયદેસર બાંધકામ બાબતે આપ સાહેબ ગૂગલ પર સર્ચ કરી તપાસ કરશો તો પણ સ્પષ્ટ થશે કે,માત્ર સાડા ત્રણ મહિનાનાં ગાળામાં સાવ ગેરકાયદેસર બે માળ ચણવામાં કેટલી સક્રિયતા દાખવી છે.

અરિહંત એકેડમી શાળાના ત્રીજા અને ચોથા માળને સીલ કર્યું
શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા દ્વારા ઇન્ચાર્જ પાલિકા કમિશનર અને કલેક્ટરને કરાયેલી લેખિત ફરિયાદ બાદ મોડે મોડે જાગેલ પાલિકાએ અંતે બતાવવા પૂરતી કામગીરી શરૂ કરી છે.પાલિકાએ ભાજપ નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિહંત એકેડમી શાળાના ત્રીજા અને ચોથા માળને સીલ કર્યું છે.

અગાઉ બે વખત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી
શાળાના ડિમોલિશન કરવાના બદલે પાલિકા અધિકારીઓએ 1.15 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરી અને નોટિસ પાઠવી સંતોષ માણી લીધો છે. મહત્વનું છે કે અગાઉ પણ બે વખત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં હાલ હવે પછી ગેરકાયદેસર બાંધકામ નહીં કરવામાં આવે તે પ્રકારની બાહેધરી પાલિકાએ શાળાના ટ્રસ્ટી અનુરાગ કોઠારી પાસે લીધી છે.