Lok Sabha Elections: ભારતીય જનતા પાર્ટી ગુજરાત એકમે દેશમાં સૌ પ્રથમ તમામ 26 લોકસભા મતવિસ્તારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોને મંગળવારે ખુલ્લા મૂક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. એમાં, ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે સ્વાભાવિક રીતે અમિત શાહ નિશ્ચિત હોવાથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેના પ્રભારી તરીકે બક્ષી પંચ મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક અને ઇન્ચાર્જ તરીકે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપી છે. બાકીના ૨૫ કાર્યાલયોના ઇન્ચાર્જ હવે પછી જાહેર થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી(Lok Sabha Elections) માટેની જાહેરાત થાય એ પહેલાં જ તમામ મધ્યસ્થ કાર્યાલયો ખોલીને ઉમેદવારોને લઇ ભારે સસ્પેન્શ ઊભું કરી દીધું છે.
‘ભાજપ ફર્સ્ટ’..કાર્યકરો માટે પક્ષ મહત્ત્વનો છે
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આજે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખૂલ્લુ મૂક્યું હતું અને અન્ય તમામ ૨૫ કાર્યાલયોને વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. અધ્યક્ષ નડ્ડાએ જણાવ્યું કે, મને પત્રકારોએ પૂછ્યું કે સામાન્ય રીતે લોકસભા ચૂંટણી કાર્યાલયો ઉમેદવારો જાહેર થયા પછી શરૂ થતા હોય છે તો આ વખતે શા માટે કાર્યાલયો વહેલાં ખોલવામાં આવ્યા? તેના ઉત્તરમાં મેં કહ્યું કે, ‘ભાજપ ફર્સ્ટ’..કાર્યકરો માટે પક્ષ મહત્ત્વનો છે. તેમણે કહ્યું કે, આજે મારું સૌભાગ્ય છે કે મને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના કાર્યાલયના ઉદ્ઘાટનની તક મળી છે.
ઉમેદવારની પસંદગી પહેલા જ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું
પ્રથમવાર એવુ બન્યું છે કે ચૂંટણીની જાહેરાત અને ઉમેદવારની પસંદગી પહેલા જ ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હોય. 12 જામનગર લોકસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આ સાથે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર લોકસભા બેઠકના પ્રભારી વેલજીભાઇ મસાણી અને રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ બન્ને નેતા ઉપરાંત જામનગરના સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા ભાજપના પ્રભારી ભાનુભાઇ મહેતા, વિગેરેના હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.
ભાજપ પાસે નરેન્દ્રભાઇ મોદીની લિડરશીપની ક્રેડિબિલિટી : નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ દૃઢ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, 2024 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્ત્વમાં ભાજપ અત્યાર સુધીની વિક્રમી બેઠકો સાથે ત્રીજી વખત સત્તા સંભાળશે. તેમણે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનના નામે ભેગા થયેલા લોકો પોતાનો પરિવાર, મિલકત અને ભ્રષ્ટાચારના કેસથી બચવા રાજનીતિ કરે છે. વડાપ્રધાન મોદીએ તો જાતિ આધારિત મત ગણતરીની સામે ગરીબ, યુવા, મહિલા અને કિસાનોને સશક્ત કરવાનો મંત્ર અમલમાં મૂક્યો છે. વિશ્વમાં ૭૬ ટકા સાથે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા નેતા તરીકે ભારતના વડાપ્રધાન મોદી છે અને એ પણ આપણા ભાજપના એ નેતા છે એનું આપણે ગૌરવ છે. ભાજપ પાસે નરેન્દ્રભાઇની લિડરશીપની ક્રેડિબિલિટી છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતે ભાજપના સંગઠનના રીતિ, નીતિ, મંત્ર અને તંત્રને વિકસિત કરવાનું કામ કર્યું છે. સંગઠન કેવી રીતે વિસ્તારી શકાય અને મજબૂત કરી શકાય તે ગુજરાતે દેશને શીખવ્યું છે.
મોદીના નામ પર ચૂંટણી જીતાઇ રહી છે
ઉમેદવાર વિના ચૂંટણી કાર્યાલય શરૂ કરાયા છે. આ થિયરી લાગુ કરી ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ આદેશ આપ્યો છેકે, જે ઉમેદવાર જાહેર થાય તેને વધાવી લો, એટલુ જ નહીં, પાંચ લાખની લીડથી વિજયી બનાવો. આ ઉપરાંત એવો સંદેશ આપી દેવાયો છેકે, મોદીના નામ પર ચૂંટણી જીતાઇ રહી છે. ભાજપ સમર્પિત મતદારો ઉમેદવારને નહી, મોદીના નામે ભાજપને મત આપે છે. ઉમેદવાર જાહેર કર્યા વિના ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની થિયરી ભાજપ ગુજરાત બાદ આખાય દેશમાં લાગુ કરે તેવુ જાણવા મળ્યુ છે.
મનસુખ વસાવાનું આત્મસમર્પણ, જે ઉમેદવાર હશે તેને જીતાડવાની જવાબદારી મારી
અત્યાર સુધી મને જ ટીકિટ મળશે તેવી બડાઇ હાંકનારા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ હવે ભાજપ હાઇકમાન્ડ સામે આત્મસમર્પણ કર્યુ છે. પક્ષ સામે નિવેદન કરનારાં મનસુખ વસાવાએ હાઇકમાન્ડના આકરા સંદેશ બાદ એવી પ્રતિક્રિયા આપીકે, કોઇપણ પક્ષનો ઉમેદવાર હોય ભાજપને ફરક પડવાનો નથી. મને ભાજપે છ વખત ટીકીટ આપી છે. પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે. તેને જીતાડવાની જવાબદારી મારી છે. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત નક્કી છે. આમ, ઉમેદવાર નક્કી થયા પહેલાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવાની થિયરીને પગલે મનસુખ વસાવાની બાદબાકી નક્કી છે પરિણામે તેમણે બેકફુટ પર જઇને પક્ષની શરણાગતિ સ્વિકારવાનુ મન બનાવ્યુ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube