ભાજપ મહિલા નેતા દીપિકા પટેલ આપઘાત કેસઃ મોબાઈલના FSL રિપોર્ટમાં થયાં મોટા ખુલાસા, જાણો વિગતે

BJP leader Deepika Patel: ભીમરાડના બ્રાહ્મણ ફળિયામાં રહેતા અને વોર્ડ નંબર 30 ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકા આપઘાત કેસમાં (BJP leader Deepika Patel) ફરી નવો વળાંક આવ્યો છે. એફએસએલએ દિપીકાના મોબાઈલ ફોનનો વિગતવાર રિપોર્ટ પોલીસને સોંપ્યો હતો જેમાં તેના ચિરાગ સાથેના હજારો ફોટા મળી આવ્યા છે અને પારિવારિક ફોટા એક પણ મળી આવ્યા નથી.

ચિરાગ સોલંકીનું નિવેદન
આપઘાત પછી ચિરાગ સોલંકીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, દિપીકાને તે બહેન માનતો હતો અને રાખડી પણ બંધાવી હતી. એફએસએલએ ફોનમાંથી કાઢેલા ડેટા ચિરાગના નિવેદન સાથે મેચ થતા ન હોવાનું બહાર આવ્યુ છે. દિપીકા અને ચિરાગના સાથે મળી આવેલા હજારો ફોટામાંથી બંન્નેના પરિવાર સાથે હોય તેવા એક પણ ફોટા મળ્યા ન હોવાનું પોલીસસુત્રોનું કહેવું છે.

ફરિયાદ માટે પરિવારને ફરી સમજાવ્યા પણ કોઈ તૈયાર ન થયું
એફએસએલ એ પોલીસને સોંપેલા રિપોર્ટ પછી પણ પોલીસે દિપીકાના પતિ અને પરિવારને મળ્યા હતા અને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે દિપીકાના પતિ કે પરિવારના એક પણ સભ્યો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે રાજી નથી. પરિણામે આ તપાસ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી સંભવત શકયતાઓ નકારી શકાય તેમ નથી. આપઘાત પછી કોર્પોરેટર ચિરાગ સોલંકી જવાબદાર છે કે નહીં તે હજુ સુધી પોલીસે પણ સ્પષ્ટ કર્યું નથી.

દોઢ મહિના પછી પણ પોલીસ ફરિયાદ થઈ નથી
ફોટા અને કોલ ડેટાના આધારે દિપીકા સૌથી વધુ ચિરાગ સાથે જોડાયેલી હોવાના સજજડ પુરાવા પોલીસને મળ્યા છે. પરંતુ આપઘાત કેસમાં પરિવારના કોઈ સભ્ય દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ નોંધાવે તો જ ફરિયાદ થઈ શકે તેમ હોવાથી આ કેસમાં દોઢ મહિના પછી પણ પોલીસ ફરિયાદ થઈ નથી. સમાજના સભ્યો દ્વારા પણ દિપીકાના પરિવારને ફરિયાદ નોંધાવવા માટે સમજાવ્યા હતા.