મોરબીના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ વાન પલટી જતાં 12થી વધુ ગંભીર, 2 મોત

Morbi Accident: માળિયા-હળવદ હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા નજીક બોલેરો પલ્ટી મારી ગઈ હતી અને બોલેરો પલ્ટી મારી (Morbi Accident) જવાના પગલે તેમાં સવાર 22 લોકો પૈકીના 12 લોકોને ઇજાઓ પહોંચી હતી. તો બીજી તરફ વૃદ્ધ દંપતીનું મોત થયું છે અને બારેક લોકોને સારવાર માટે મોરબીના જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાદમાં મોરબી સિવિલ ખાતે અને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના માળિયા-હળવદ હાઇવે ઉપર અણીયાળીના ટોલનાકા પાસે (જીજે 1 એએકસ 8779)નંબરની બોલેરો પલ્ટી મારી ગઈ હતી.જેથી બોલેરોમાં સવાર 22 લોકો પૈકી બાર લોકોને ઇજાઓ પહોંચી હતી અને તેથી થોડા સમય માટે હાઈવે જામ થયો હતો અને ઇજાગ્રસ્તોને 108 મારફતે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલએ તેમજ અહીંની ખાનગી ઓમ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા.

જેમાં વધુમાં મળતી માહિતી પ્રમાણે થાન પંથકના જુદા જુદા પરિવારો બોલેરોમાં મોરબી તાલુકાના અણીયારી ગામે માતાજીના દર્શન માટે આવ્યા હતા અને અહીં દર્શન કરીને તેઓ પરત થાન જતા હતા ત્યારે અકસ્માત બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં વિપુલ બાબુભાઈ (27), જયશ્રીબેન બેચરભાઈ (22), બેચરભાઈ જયંતીભાઈ (23) રહે.રામપરા, જયંતીભાઈ ભીખાભાઈ (50), ક્રિયાંશ ઓધવજીભાઈ (2), નેહા વિપુલભાઈ (5), વર્ષાબેન વિપુલભાઈ(25), બળદેવભાઈ રાણાભાઇ (25), સોનલબેન ઓધવજીભાઈ બાબરીયા (26), ઓધવજી મુળાભાઈ (33), મુળાભાઈ વશરામભાઈ બાવળીયા (60), ભીખાભાઈ બીજલભાઇ ડેડાણીયા (60) અને લધુ વશરામ રહે.બધા થાન વાળાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માતમાં બે વૃદ્ધોને વધુ ઇજાઓ થઈ હતી.

જેમાં લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા (50) રહે.થાનને ગંભીર ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા તે દરમિયાન ટંકારા નજીક તેઓનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું.જેથી તેમના ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ. તે રીતે જ તેમના પતિ હીરાભાઈ માવજીભાઈ કુડેચા (50) રહે.થાનને પણ ગંભીર ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ અકસ્માત બનાવમાં હીરાભાઈ માવજીભાઈ કુડેચા અને તેમના પત્ની લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા નામના વૃદ્ધ દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હોય પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.