BSNLનો ધડાકો: ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આવશે 5G, અંતરિયાળ વિસ્તારમાં પણ મળશે નેટવર્ક

BSNL 5G Network: દેશમાં ઈન્ટરનેટનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. જ્યાં થોડા સમય પહેલ 4Gની સ્પીડે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હતા. ત્યાં હવે 5Gની સ્પીડ દોડી રહી છે. લગભગ તમામ ખાનગી કંપનીઓએ 5Gની સુવિધા રાજ્ય સહિત દેશમાં ઉપલબ્ધ કરાવી છે. ત્યારે સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દેશમાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં 4G શરૂ કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે BSNL લગભગ 4G શરૂ થયાના 12-13 વર્ષ બાદ પોતાના ગ્રાહકોને 4G ની સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર આગામી સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ગુજરાતમાં તમામ 4G સોલર ટાવર શરૂ થઈ જશે. તો બીજી બાજુ ગુજરાતમાં BSNLના આંતરિક સૂત્રોએ ડિસેમ્બર સુધીમાં 5G(BSNL 5G Network) પણ શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

4G સેવા ક્યારે શરૂ થશે?
BSNLનું લક્ષ્ય માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 4G સેવા શરૂ કરવાનું છે. આ પછી, 2025 ના અંત સુધીમાં 5G સેવા શરૂ કરવાની યોજના છે. BSNL સામાન્ય રીતે અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં સસ્તો ડેટા અને કોલિંગ પ્લાન ઓફર કરે છે. USIM સાથે, BSNL ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં મદદ કરી શકે છે.

4G ટાવર મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર કર્યા
BSNL દ્વારા 2022માં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ સંપૂર્ણ દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત હવે ગુજરાતમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ BSNL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજક્ટમાં દેશના અલગ અલગ સાઈડ નક્કી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અંતરિયાળ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ BSNLના 4Gના મોબાઈલ ટાવર હવે ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, પહેલી વખત ભારત દેશમાં 4G ટાવર મેડ ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર કર્યા છે. જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને તેજસ જે સ્વદેશી કંપનીઓ છે. એમના દ્વારા જ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટાવર તૈયાર કરવામાં આવ્યા છે.

અન્ય દેશો પરની હવે નિર્ભરતા ઘટી જશે
પહેલી એવી ટેક્નોલોજી છે કે, જે સ્વદેશમાં જ તૈયાર થઈ છે. અને હવે આપણે તેને 4G ટાવરમાં ઉપયોગમાં લેવાના છીએ. અત્યાર સુધીમાં ટેલિકોમ ક્ષેત્રની અંદર મોટાભાગની ટેક્નોલોજી વિદેશથી આપણે લેતા હતા અને એ ટેક્નોલોજીના ઉપયોગમાં લેવાતી મશીનરી અને સ્પેરપાર્ટ્સ પણ ચીન જેવા દેશો પાસેથી લેતા હતા. પરંતુ હવે આપણા જ દેશમાં તૈયાર થયેલી મશીનરી અને સોફ્ટવેરથી લઈને તમામ ઇક્વિપમેન્ટનો ઉપયોગ સ્વદેશમાં થવાનો છે. જેને કારણે ચીન જેવા દેશ પાસેથી આપણે જે ટેક્નોલોજી લેતા હતા અને તેના કારણે આપણે તેમના પર નિર્ભર રહેવું પડતું હતું, તે હવે રહેવું પડશે નહીં. એની સાથે સાથે આ ટેક્નોલોજીમાં જે મશીનરીનો ઉપયોગ થવાનો છે તે પણ હવે આપણે અન્ય દેશોમાં એક્સપોર્ટ કરતા થઈશું.

ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર
હાલમાં ગુજરાતમાં 750 જેટલા 4G સેચ્યુએશનના ટાવર લાગી રહ્યા છે, જે પૈકી દક્ષિણ ગુજરાતમાં 417 જેટલાં મોબાઈલ ટાવર લાગશે. સૌથી મોટી ખાસિયત એ છે કે, જે વિસ્તારની અંદર 4G ટાવર લાગી રહ્યાં છે, તે વિસ્તારમાં અન્ય કોઈપણ ટેલિકોમ કંપનીનાં ટાવર નથી, એટલે કે એ વિસ્તારની અંદર મોબાઈલના અન્ય કંપનીના નેટવર્ક અત્યારના સમય સુધીમાં મળી શકે તેમ નથી.

USIM શું છે?
USIM એટલે કે યુનિવર્સલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ એ એક સિમ કાર્ડ છે જેમાં નાની ચિપ હોય છે. આ ચિપ તમારા સિમ કાર્ડને તમારા મોબાઈલ નેટવર્ક સાથે જોડે છે અને તમારી બધી માહિતી સ્ટોર કરે છે. USIM સામાન્ય સિમ કાર્ડ કરતાં વધુ સુરક્ષિત છે અને તેને સરળતાથી ઓળખી અને ચકાસી શકાય છે.

BSNL શા માટે USIM લાવી રહ્યું છે?
4G અને 5G બંને માટે એક સિમ: BSNLનું નવું USIM 4G અને 5G બંને નેટવર્ક સાથે કામ કરે છે. મતલબ કે જો તમે BSNLનું 4G સિમ લીધું છે, તો જ્યારે 5G આવશે, તો તમારે નવું સિમ ખરીદવાની જરૂર નહીં પડે. BSNL એ ભારતીય કંપની ટેલિકોમ ડેવલપમેન્ટ ફર્મ Pyro Holdings સાથે મળીને આ USIM બનાવ્યું છે. આનાથી ભારતમાં ટેક્નોલોજીનો વિકાસ થશે અને આપણે વિદેશી કંપનીઓ પર ઓછા નિર્ભર રહીશું. BSNLનું માનવું છે કે આ નવું USIM તેમની સેવામાં સુધારો કરશે અને ગ્રાહકોને સારી કનેક્ટિવિટી મળશે.