ગુજરાત પોલીસમાં બમ્પર ભરતી જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ફૉર્મ, 12000થી વધુ જગ્યાઓ ભરાશે

Gujarat Police Recruitment: પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.લોકસભા ચૂંટણી પહેલાં પોલીસબેડમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.…

Gujarat Police Recruitment: પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે.લોકસભા ચૂંટણી પહેલાં પોલીસબેડમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર(Gujarat Police Recruitment) તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપાઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવશે.

હર્ષ સંઘવીએ ભરતી અંગે કરી જાહેરાત
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘X’ પર ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!

ઓનલાઈન કરી શકાશે અરજી
LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખે વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે. LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટ (3 કલાક)નો સમય આપવામાં આવશે.

ખાસ આ વાતનું ધ્યાન રાખવું
ઉમેદવારે ઓનલાઇન અરજી કરતાં પહેલાં જે-તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી એની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે એ રજૂ કરવાની રહેશે.

ઉમેદવારે ઉપર જણાવેલી જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ જાહેરાત તથા ભરતીપ્રક્રિયામાં કોઈપણ કારણસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો એમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક/અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલું રહેશે નહીં.

MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે
અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.