સુરત(surat): સમગ્ર રાજ્યમાં ચોરી-લુંટફાટની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સોનગઢ તાલુકામાં આવેલ બંધારપાડાથી સરૈયા તરફ જતા માર્ગ પરથી મોપેડ પર જઈ રહેલ બેંકની મહિલા કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નાખીને ડિકીમાં બેંકના કલેક્શનના 1,11,170 રૂપિયાની રોકડ રકમ તેમજ મોબાઈલ,ટેબ્લેટ વગેરેની લૂંટ કરીને બાઈક સવાર 3 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
તાપી જિલ્લાની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક ડોસવાડા ગામના 3 લૂંટારુને પકડી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા લૂંટમાં ગયેલ રોકડ રકમમાંથી 1,09,150 રૂપિયા કબ્જે કરી લેવામાં આવ્યા હતા. મળી રહેલ જાણકારી પ્રમાણે વ્યારામાં આવેલ દક્ષિણાપથ નજીકની બેથેલ કોલોનીમાં રહેતા ટીનુ બહેન નાહ્યાભાઈ ચૌધરી વ્યારાની બંધન બેંકમાં નોકરી કરે છે.
તેઓ રોજ બેંકમાંથી લોન એકાઉન્ટના નાણાંનું કલેક્શન કરવા માટે યામાહા આલ્ફા મોપેડ લઈને સોનગઢ તથા વ્યારાના ગામમાં ફરે છે. ગુરુવારે તેઓ તેમજ અન્ય એક મહિલા કર્મચારી પ્રિયંકા ગામીત બે અલગ-અલગ બાઈક પર સોનગઢ તાલુકામાં આવેલ બંધારપાડા ગામની આસપાસ બેંકના લોનના નાણાં એકઠા કરીને બપોરે 3 વાગ્યાના સુમારે વ્યારા જવા માટે નીકળ્યા હતા.
ટીનુબહેન ધમોડી ગામની સીમમાં આવેલ ટાવર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એમની આંખોમાં બળતરા થતા તેમણે મોપેડ ઉભું રાખીને આંખો ચોળતા હતા. આ વખતે વિના નંબરની બાઈક પર બેસીને 3 અજાણ્યા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા.
આ ઇસમોએ ટીનાબહેનને શું થયું એમ પૂછીને વાતચીત કર્યા પછી તેના હાથમાં રાખેલ મરચાની ભૂકી ટીના બહેનની આંખોમાં નાખી દીધી હતી. એમણે બુમાબુમ કરતા આગળ ચાલતા સહ કર્મચારી પ્રિયંકાબેન ગામીત પાછા ફરીને ઘટનાસ્થળ પર આવતા અજાણ્યા ઇસમોએ તેની આંખમાં પણ મરચાની ભૂકી નાખી હતી.
ત્યારપછી આરોપીઓ મોપેડની ડીકી ખોલીને તેમાંથી બંધન બેંકની લોન કલેક્શનની રોકડ 1,11,170 રકમ તથા એક મોબાઈલ અને એક સેમસંગ કંપનીનો ટેબ કિંમત 10,000 મળીને કુલ 1,21,170 રૂપિયાની મતાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આ ઘટના અંગે મોડી સાંજે સોનગઢ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા પોલીસ લૂંટનો ગુનો ઉકેલવા માટે ટિમ બનાવીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. અંગત બાતમીદારો પાસેથી મળેલ બાતમીને આધારે આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓની ઓળખ થઇ હતી. પોલીસ દ્વારા આ બનાવમાં સંડોવાયેલ આરોપી આશિક ઉર્ફે આશિષ ઉર્ફે સેન્દુ સલીમભાઇ ગામીત, સુરેશ ઉર્ફે સુરજ દિનેશ ગામીત તથા તન્મય કુમાર રાજેશભાઈ ગામીતને પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડ રકમ પૈકીના 1,09,150 રૂપિયા તથા ગુનામાં વપરાયેલ પેશન બાઈક GJ -26-P-8248 તેમજ 3 મોબાઈલ કિંમત મળીને કુલ 1,39,150 નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓના કબ્જામાંથી ધારદાર છરી પણ કબ્જે લઈ તપાસ આગળ કરવામાં આવી હતી.
3 આરોપી પૈકી સુરેશ દિનેશ ગામીત સામે સોનગઢ પોલીસ મથકમાં વર્ષ 2007માં IPC 302 તથા 201 અંતર્ગત હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ જ રીતે આરોપી સુરેશ ગામીત તથા આશિક ઉર્ફે આશિષ ગામીત વિરુદ્ધ સુરતના ઉમરા પોલીસની હદમાં નોંધાયેલ 13,00,000 ની ઘરફોડ ચોરીની ઘટનામાં એમની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.