ગુજરાતમાં ગરમીએ મચાવ્યો હાહાકાર; ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, આજે પણ પારો પહોંચશે 42 ડિગ્રીને પાર

Gujarat Heatwave: 18 મે બાદથી ગુજરાત જાણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ પાંચ દિવસ હિટવેવની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43ને પાર જવાની શક્યતાને લઇને હવામાન વિભાગે અમદાવાદમાં 5 દિવસનું ગરમીને લઇએ રેડ એલર્ટ(Gujarat Heatwave) આપ્યું છે.આ સાથે જ સતત બીજા દિવસે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર રહ્યો છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ભાવનગરમાં હજુ ત્રણ દિવસ હીટવેવની પરિસ્થિતિ પ્રવર્તેલી રહેશે.

સુરત બન્યું અગનભઠ્ઠી
સુરતમાં લોકો આખરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તાપમાન સુરતનું 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વલસાડમાં 40.6 અને નવસારીમાં 38.1 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન છે. તાપમાનમાં થયેલા સતત વધારાના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ રહી છે. શહેરનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું છે. હવામાનમાં ભેજનું પ્રમાણ દિવસે 45% અને રાત્રે 73% હતું. 23 મે સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
ઉલ્લેખનિય છે કે,કમોસમી વરસાદના રાઉન્ડ બાદ ગુજરાત સતત આગની ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. સતત પાંચમાં દિવસે અગનભઠ્ઠીના કારણે આગ વરસાવતી ગરમીથી ગુજરાતવાશીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગઇ કાલે સાત શહેરોમાં હિટવેવની સ્થિતિ યથાવત રહી હતી. સાત શહેરોનું તામાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 45 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું. તો સુરેન્દ્રનગર ,પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી કરાઇ છે, આજે કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાનો પારો 42ને પાર જવાની શક્યતાને લઇને હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયકલોનની શક્યતા દર્શાવી છે, જેની ગુજરાત પર આંશિક અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાના અંતમાં વાવાઝોડું આવે તેવી શક્યતા છે. રાજ્યના લોકોને 26 મે સુધી ગરમીથી રાહત નહીં મળે, હાલ તાપમાન 40 થી 45 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી તારીખ 22 મે આસપાસ લો પ્રેશર ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ 24 મે આસપાસ બંગાળની ખાડીની મધ્ય માટે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેની અસર હેઠળ વરસાદ પડતા સામાન્ય ગરમીમાં ઘટાડો થશે.

અમદાવાદમાં લોકો હાલત કફોડી બનશે
અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી કામ સિવાય બિનજરૂરી રીતે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગરમીના એલર્ટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એડવાઈઝરી જારી કરી છે. બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ન કરવા આદેશ કર્યો છે. સફાઈ કામદારોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફેક્ટરી સહિત ઓદ્યૌગિક શ્રમીકો માટે છાશ અને શરબતની વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે.