Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે શિક્ષણ અને સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. BAPS સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. 1965 માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
આ શિક્ષણ અને સંસ્કાર દિનની ઉજવણી દરમિયાન ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે બાપાને અંજલિ અર્પણ કરતા જાણો શું કહ્યું?
નરેશ પટેલે કહ્યું હતું કે, આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને 80,000 સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે મારા લાખ લાખ વંદન. પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોના ભક્તોને સ્પર્શ્યું છે. ખોડલધામની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે જ કરવામાં આવી છે અને પ્રથમ શિલાનું પૂજન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ મંદિરમાં કર્યું હતું અને ખોડલધામ પર પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ છે.
મણિપાલ ગ્લોબલ એજ્યુકેશન(મણિપાલ યુનિવર્સિટી)ના ચેરમેન પદ્મશ્રી ટી. વી. મોહનદાસ પાઇએ જાણો શું કહ્યું?
ટી. વી. મોહનદાસ પાઇએ કહ્યું હતું કે, આજે સમાજ અનેક તકલીફોની સામનો કરી રહ્યું છે ત્યારે તેનો ઉકેલ ભારતીય સનાતન સંસ્કૃતિ અને વારસામાં રહેલો છે. ભારત ફરીથી વિશ્વગુરુ તરફ અગ્રેસર થઈ રહ્યું છે તેનો શ્રેય ભારતીય સંસ્કૃતિ અને પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન સંતોને જાય છે, કારણકે તેઓ સમાજના શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને આ BAPS સંસ્થા એ ચારિત્ર્ય યુક્ત સમાજના નિર્માણ કરીને ભારતના ભવિષ્યને ઉજ્જવલ બનાવી રહ્યા છે.
જગન્નાથ મંદિરના ચેરમેન શ્રી ગજપતિ મહારાજ દિવ્યસિંગ દેવજીએ જાણો શું કહ્યું?
દિવ્યસિંગ દેવજીએ કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે ભૌતિક શિક્ષાની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનાથી સંસ્કાર અને ચારિત્ર્ય યુક્ત સમાજનું નિર્માણ થઇ રહ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આદર્શ મનુષ્યની સાથે સાથે આદર્શ નાગરિકનું પણ નિર્માણ કરી રહ્યા છે. ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ હિન્દુ મંદિર નિર્માણ માટે પરવાનગી મળવી એ આપણાં માટે ગૌરવની વાત છે. ઓરિસ્સામાં વાવાઝોડું આવ્યું હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજે ત્યાં આવીને રાહતકાર્યો કર્યા હતા તેના માટે હું તેમની ઋણી છું.
અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જાણો શું કહ્યું?
મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ કહેતા “ચારિત્ર્ય વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને ચારિત્ર્ય સાથેનું શિક્ષણ રક્ષણ કરે છે અને તે દેશનું રક્ષણ કરે છે. શિક્ષણમાં ચારિત્ર્ય ભળે તો સોનામાં સુંગધ ભળે. શિક્ષણની કિંમત ચારિત્ર્ય થી છે માટે આવું સંસ્કારયુક્ત શિક્ષણ સૌને મળે તે માટે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે છાત્રાલયો અને ગુરુકુળની સ્થાપના કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.