કેન્દ્રીય જીએસટીની ગાંધીનગર કચેરીના અધિકારીઓની એક ટીમે રૂા. 1210 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર અહેસાસ અલિ તસવારઅલિ સૈયદની ધરપકડ પણ કરવામાં આવી છે. રૂા. 1210 કરોડના બોગસ બિલ બનાવીને અહેસાસ અલીએ રૂા. 177.64 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે.
સીજીએસટી ગાંધીનગર કચેરીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ કૌભાંડનો સૂત્રધાર અહેસાસ અલી છે. તેણે 66 જુદા જુદાં નામથી કંપનીઓ ખોલી હતી. આ કંપનીઓના જીએસટી રજિસ્ટ્રેશન લીધા હતા. આ રીતે તેણે રજિસ્ટ્રેશન નંબર,જીએસટીએનનો લોગ ઇન અને પાસવર્ડ મેળવી લીધા હતા.
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતો 29 વર્ષના અહેસાસ અલીએ આ તમામ નામોએ સીમકાર્ડ પણ મેળવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ્સ પણ ખોલાવ્યા હતા. મધ્યસ્થીઓના માધ્યમથી તેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટેના પાસવર્ડ પણ મેળવી લીધા હતા. જેમને નામે કંપની અને બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તે વ્યક્તિઓને તેમના નામના દસ્તાવેજોનો ઉપયોગ કરવા બદલ મહિને તેણે રૂા. 5થી 10 હજાર ચૂકવ્યા હતા.
આ કંપની ખોલી નાખ્યા પછી તેણે માલની વાસ્તવમાં હેરફેર કર્યા વિના જ બોગસ બિલ ઇશ્યૂ કરવા માંડ્યા હતા. અહેસાસ અલીએ બનાવેલા બોગસ બિલની રકમના એક ટકા રકમ તેને કમિશન તરીકે આપવામાં આવતી હોવાનું અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.
અહેસાસ અલીએ અલગ અલગ 66 કંપનીઓ બનાવી હતી. આ તમામ કંપનીઓને નામે મળીને તેણે રૂા. 1210 કરોડના બોગસ બિલ ઇશ્યૂ કર્યા હતા. માલની વાસ્તવમાં હેરફેર કર્યા વિના જ તેણે બનાવેલા બોગસ બિલ થકી રૂા. 177.64 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી હતી.
આ કૌભાંડને ઝડપી લીધા પછી કેન્દ્રિય જીએસટીની ગાંધીનગર કચેરીના અધિકારીઓએ 25મી જાન્યુઆરીએ સાંજે અહેસાસઅલી તસવરઅલી સૈયદની ધરપકડ કરી હતી. જીએસટી એક્ટ 2017ની કલમ 132 અને પેટા કલમ (બી) અને (સી)નો ભંગ કરવા બદલ કલમ 69ની જોગવાઈ હેઠળ અહેસાસ અલીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.