ગુજરાત(Gujarat): પંડિત દીનદયાલ ભવન ખાતે ભાજપા(BJP) આયોજિત પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એ તેમના 8 વર્ષના કાર્યકાળમાં દેશનો સર્વાંગિણ વિકાસ કરીને સમગ્ર વિશ્વ સમક્ષ એક મિશાલ પેશ કરી છે. આજે દુનિયાભરના લોકોની જે પ્રોજેક્ટ પર નજર છે તે છે ભારતનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ(Bullet Train Project). આ પ્રોજેક્ટ થકી આજે 1 લાખ કરતા વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થઇ છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચેના 500 કિલોમીટરના આ પ્રોજેક્ટ પર આજે વાપી-અમદાવાદ વચ્ચેના 350 કિલોમીટર વિસ્તારમાંથી 160 કિલોમીટર પર કામગીરી થઇ રહી છે. 60 કિલોમીટર વિસ્તારમાં પિલરનું કામ થઇ રહ્યું છે. 100 ફૂટ લાંબા ગડરનું દેશમાં જ નિર્માણ અને તેને સ્થાપિત કરવાના મશીનો પણ સ્વદેશી છે તે ગૌરવ લેવા જેવી વાત છે અને તેમાંય ખાસ કરીને સુરત લીડ કરી રહ્યું છે.
અદ્યતન ટેક્નોલીજીથી સભર આ મશીનો હવે સુરત, ચેન્નાઇ તથા ઇન્દોરમાં બની રહ્યા છે. બુલેટ ટ્રેન એ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે અને આની સાથે સાથે સમગ્ર દેશ માટે તેજ ગતિએ હાલ વંદે ભારત ટ્રેનનું નિર્માણ થઇ રહ્યું છે.
આ વંદે ભારત ટ્રેનો અને સમગ્ર દેશમાં વર્લ્ડ ક્લાસ સ્ટેશનોનું નિર્માણ એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે અને તેના પર તેજ ગતિએ કાર્ય થઇ રહ્યું છે. રહી વાત સુરતના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની તો જુલાઈના પ્રથમ સપ્તાહ આસપાસ આ રેલવે સ્ટેશન માટેના ટેન્ડરો ખુલવાના છે અને ત્યાર બાદ કામગીરી શરૂ થવાની છે.
કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવે સુરતમાં નિર્માણ થનારા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે આ ખુબ જ મોટા પ્રોજેક્ટો છે અને તેના પર સમય સમય પર અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવ્યા છે અને જેના કારણે આ પ્રોજેક્ટો તેના નિયત સમય કરતા થોડા મોડા પડ્યા છે. દેશમાં આજે 30 વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનોના નિર્માણ માટેના ટેન્ડરો ખુલી ગયા છે જેમાં સુરતના રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
આગામી સમયમાં દેશના નાગરિકો માટે વધુને વધુ વંદે ભારત ટ્રેનનું નિર્માણ કરવામાં આવશે. આગામી સમયમાં જે બુલેટ ટ્રેન નાગરિકો માટે ઉપલબ્ધ થવાની છે અને તેમાં અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. વર્લ્ડ ક્લાસ બુલેટ ટ્રેનો ઉપલબ્ધ થવાની છે આ બુલેટ ટ્રેઈનો 300 કિલોમીટરની ગતિએ જયારે દોડવાની હોય ત્યારે પર્યાવરણ, મુસાફરોની સુરક્ષા, ધરતીકંપ જેવા કુદરતી પરિબળો સહિત અનેક પ્રકારના પાસાઓ પર ચીવટપૂર્વક અભ્યાસ કરીને આગળ વધવાનું હોય છે અને એટલે જ સ્વાભવિક છે કે આ પ્રકારના મેગા પ્રોજેક્ટ પર સમય કરતા થોડું મોડું થાય. બીજું એ કે દેશમાં નિર્માણ થનારા તમામ વર્લ્ડ ક્લાસ સ્ટેશનો હવે પીપીપી ધોરણે નહીં પરંતુ ખુદ સરકાર બનાવવાની છે.
વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, સુરત ખાતેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નિર્માણની આજની મુલાકાત દરમિયાન તેઓએ ત્યાં કાર્ય કરી રહેલા શ્રમિકો સાથે વાતચીત કરી હતી. આ શ્રમિકોએ કોરોનાકાળ અને ત્યાર બાદની પીએમ મોદીની ત્રણ પ્રકારની કામગીરી પ્રત્યે ભારે ખુશી વ્યક્ત કરી હતી. તેમને આપવામાં આવેલા ફ્રી બે રસીકરણના ડોઝ, કોરોના કાળ દરમિયાન અને ત્યાર બાદ હજુ પણ સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ અને વન નેશન વન રેશન અંતર્ગત દેશના કોઈ પણ ભાગમાંથી શ્રમિક રાશન પ્રાપ્ત કરી શકે તે યોજના તેમના જીવનમાં આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીની આ કામગીરીના કારણે કોરોનાકાળમાં પણ શ્રમિકો, ગરીબોના ઘરનો ચૂલો સળગતો રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.