ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગોલ્ડન જયુબિલી એવોર્ડથી 15 પ્રતિભાઓને સન્માનિત કરાયા

SGCCI Golden Jubilee Award: સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI ગોલ્ડન જયુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શુક્રવાર, તા. 7 જૂન, 2024ના રોજ સાંજે 06:00 કલાકે પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે SGCCI ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ ફંકશનનું(SGCCI Golden Jubilee Award) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિ. હજીરા, સુરતના એકઝીકયુટીવ ડાયરેકટર સંતોષ મુંદડાજીએ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં સર્વેને આવકાર્યાહતા. તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સુરત વૈશ્વિક સ્તરે ડાયમંડ મેન્યુફેકચરિંગમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સાથે જ ટેક્ષ્ટાઈલ અને સોલાર ક્ષેત્રે ભારતમાં સુરત અગ્રણી શહેર છે. સુરત, ભારતની કુલ અર્થવ્યવસ્થામાં ર ટકાનું યોગદાન પ્રદાન કરે છે. જ્યારે ગુજરાતની અર્થવ્યવસ્થામાં 8 ટકાનું યોગદાન આપે છે. દક્ષિણ ગુજરાતે, ભારતના આર્થિક વિકાસમાં મહત્વની ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.

ભારતના જવાહરલાલ નહેરૂના સમયમાં નાણાં પ્રધાન રહેલા મોરારજી દેસાઈએ દક્ષિણ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓના નેતૃત્વ દરમિયાન HDFC અને ICICI બેંકની શરૂઆત થઈ. સાથે જ સુરતની ઓળખ સમાન ટેક્ષ્ટાઈલ ઉદ્યોગની સ્થાપના તેમણે કરી હતી. તેવી સ્થિતિમાં દેશના પ્રગતિશીલ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે અને ધંધા–ઉદ્યોગ ક્ષેત્રે સારું કરવા સમાજના અન્ય સાહસિકોને પ્રેરણા આપવાના હેતુ સાથે ૩૩ વર્ષથી નિયમિતપણે SGCCI ગોલ્ડન જયુબિલિ એવોર્ડ્‌સ આપવામાં આવે છે.

સમારોહના મુખ્ય મહેમાન સંતોષ મુંદડાએ જણાવ્યું હતું કે, કામમાં ગુણવત્તા, ગ્રાહકોને સંતોષ, લક્ષ્યાંક, જુસ્સો અને આત્મવિશ્વાસ જેવા ગુણો ઉદ્યોગ સાહસિકોમાં હોવા મહત્વના છે. આખા વિશ્વમાં સ્ટીલની માંગ 1900થી 2000 મિલીયન ટનની છે. જેમાંથી 1000 મિલીયન ટન સ્ટીલ એકમાત્ર ચીન જ પુરૂં પાડે છે. ચીન પછી ભારત વિશ્વમાં સૌથી વધુ સ્ટીલનું ઉત્પાદન કરે છે. ગત 10 વર્ષોમાં સ્ટીલના ઉત્પાદનમાં વધારો થયો છે. વર્ષ 2014માં સ્ટીલ પ્રોડકશનની 80 મિલીયન ટનની ક્ષમતા હતી, જેમાં વધારો થતા વર્ષ  2023માં 140થી150 મિલીયન ટન થઈ છે. આમ ભારતની સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા 60થી 70 ટકા વધી છે. ભારતમાં સ્ટીલના ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત ટૂંક સમયમાં જ ડાયમંડ, સોલાર, ટેક્ષ્ટાઈલ બાદ વિશ્વમાં સ્ટીલ સિટીના નામથી પણ ઓળખાશે. સુરતમાં હજીરાના કિનારે આવેલ આર્સેલર પ્લાન્ટ રપ મિલીયન ટનની ક્ષમતા ધરાવતો ભારતમાં પ્રથમ અને વિશ્વમાં ચોથા ક્રમાંકનો સ્ટીલ પ્લાન્ટ વર્ષ 2023–32માં સુરતને મળશે. તેમણે ભારતીય પરંપરા હંમેશાથી પર્યાવરણનું જતન કરવાનું જ શીખવાડે છે તેમ જણાવ્યું હતું.

SGCCI ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્‌સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ અને ચેમ્બર ઓફ કોમર્સ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્‌સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે સેવા લેવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦રર–ર૩ માટે ૧પ કેટેગરીમાં એવોડર્‌સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.

1. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન વિવિંગ સેકટર – રસિક વાટિકા વિવ્ઝ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.

રસિક વાટિકા વિવ્ઝ પ્રા.લિ. વિવિંગ અને ગારમેન્ટીંગની સાથે ઇન હાઉસ એમ્બ્રોઇડરી યુનિટ ધરાવે છે. ૧૦૦ જેટલા વોટરજેટ વિવિંગ મશીનો, ૯ એમ્બ્રોઇડરી મશીનો અને ૩ ડિજિટલ પ્રિન્ટીંગ મશીન સાથે તેઓ કવોલિટી કાપડનું ઉત્પાદન કરે છે અને જાણીતી બ્રાન્ડ એલેન સોલી, આદિત્ય બિરલા, માર્ક એન્ડ સ્પેન્સર લાઇફ સ્ટાઇલને એક્ષ્પોર્ટ કરે છે.

2. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન યાર્ન પ્રોસેસિંગ સેકટર – વિનીત પોલિફેબ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.

વિનીત પોલિફેબ પ્રા.લિ. વર્ષે 76000 મેટ્રીક ટન માલનું ઉત્પાદન કરે છે. ભારત સરકાર દ્વારા તેને ૩ સ્ટાર એક્ષ્પોર્ટ હાઉસ તરીકેની માન્યતા આપવામાં આવી છે. ટેક્ષ્ટાઇલ મંત્રાલય દ્વારા મેરિટ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ કંપનીનો ઓથોરાઇઝડ ઇકોનોમિક ઓપરેટર ટાયર ૩માં સમાવેશ થાય છે. આ ઉપરાંત તેઓ OEKO ટેકસ સ્ટાન્ડર્ડ ૧૦૦ પ્રમાણપત્ર ધરાવે છે.

3. રિલાયન્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન ફેબ્રિક પ્રોસેસિંગ સેકટર – પ્રયાગરાજ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલ્સ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રયાગરાજ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલ્સ પ્રા.લિ. ૮ સ્ટેન્ટર્સ, પ૦ જેટ ડાઇંગ મશીન અને ૩ ડિજિટલ પ્રિન્ટીંગ મશીન અને અદ્યતન ટેકનોલોજી સાથે દિવસે ૪ લાખ મીટર કાપડની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. સેફટી અને સસ્ટેનેબિલિટી મેઝર્સ સાથે આ કંપની ૧પ૦૦ કર્મચારીઓને રોજગારી આપે છે.

4. શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ – પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.

પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. સોલાર એનર્જી બેઇઝડ સ્લજ ડ્રાઇંગ ફેસિલિટી ધરાવે છે. વર્ષ ર૦રર–ર૩માં સીઇટીપી પાંડેસરાએ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને ૧૦૦ ટકા સોલાર ડ્રાયડ સ્લજ સપ્લાય કર્યો હતો. આ કંપનીમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ ડ્રાઇંગ સ્લજ માટે કરાય છે. આ કંપની વિન્ડ મિલ એનર્જી પણ જનરેટ કરે છે.

5. શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ – બી–ટેક્ષ લેબોરેટરીને એનાયત કરવામાં આવ્યો હતો.

બી–ટેક્ષ લેબોરેટરી એ ટેક્ષ્ટાઇલ ટેસ્ટીંગ ઇકવીપમેન્ટ્‌સમાં લીડર છે. ટેક્ષ્ટાઇલ ટેસ્ટીંગ માટે તેઓ પ૦થી વધુ ઇકવીપમેન્ટ્‌સ ધરાવે છે. ટેક્ષ્ટાઇલ ફેબ્રિક એન્ડ ગારમેન્ટ ટેસ્ટીંગની સર્વિસમાં પણ તેઓ લીડર છે. NABL માન્ય લેબોરેટરી છે.

6. કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન – લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (હેવી એન્જીનિયરીંગ યુનિટ)ને એનાયત કરવામાં આવ્યો હતો.

લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (હેવી એન્જીનિયરીંગ યુનિટ)માં IIOT આધારીત વેલ્ડીંગ સ્ટેશનો આવેલા છે. ESSC વેલ્ડીંગ પ્રક્રિયામાં સુધારો થયો છે. પ્રી/પોસ્ટ હીટિંગમાં સુધારો કર્યો છે. હેવી પ્લેટ મશીનમાં વીવીએફડી ઇન્સ્ટોલ કર્યા છે.

7. અલિદ્રા એવોર્ડ ફોર એકસલન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી – બ્લુ સ્ટાર લિમિટેડ દાદરાને એનાયત કરવામાં આવ્યો હતો.

બ્લુ સ્ટાર લિમિટેડ દાદરાએ લગભગ ૭ લીન પ્રોજેકટ્‌સ કર્યા છે. નાણાંકીય વર્ષ ર૦ર૩–ર૪માં ૭૦૦૦૦ જેટલા મેન–અવર્સ જનરેટ કર્યા છે. આ કંપની મજબુત ટ્રેકીંગ અને દસ્તાવેજીકરણ સિસ્ટમ ધરાવે છે. તેમના દ્વારા ઘણા વર્લ્ડ કલાસ ઇનીશિએટીવ લેવામાં આવ્યા છે.

8. એથર એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશ્યલ વેલ્ફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ –
ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડે આસપાસના ગામોમાં પીવાના પાણીની ગંભીર અછતને દૂર કરવાની કાળજી લીધી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ, જીઆઈપીસીએલ દ્વારા વિવિધ ગામોમાં ર૩૦ શૌચાલય બનાવવામાં આવ્યા હતા. તેઓએ ગાયનેક અને તબીબી સમસ્યાઓ માટે સંખ્યાબંધ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને મેડીકલ મોબાઈલ વાનની પણ સેવા ચાલુ રાખી છે. અદ્યતન ટેકનિક સાથે ગ્રામીણ શાળાઓને ડિજિટલાઇઝ કરી છે, તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્રો પણ ચલાવે છે.

9. એનજે ઇન્ડિયા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશ્યલ વેલ્ફેર પ્રોગ્રામ બાય એનજીઓ – સ્વ. દિવાળીબેન ઉકાભાઇ પટેલ સાર્વજનિક ટ્રસ્ટને એનાયત કરવામાં આવ્યો હતો.

સ્વ. દિવાળીબેન ઉકાભાઇ પટેલ સાર્વજનિક ટ્રસ્ટ, બારડોલી ૧ર૦૦૦થી વધુ શાળાઓમાં ૩ લાખથી વધુ બાળકોના જીવનને સ્પર્શ્યા છે. ૧પ લાખ દર્દીઓની સારવાર ઉપરાંત ૪૦ હજારથી વધુ મહિલાઓને વ્યવસાયિક તાલિમ આપી છે. ૧પ૦૦થી વધુ જરૂરિયાતમંદોને વ્યાજ વગરની માઇક્રો ફાયનાન્સ આપ્યું છે. કોવિડ દરમ્યાન પણ તેઓએ અદ્‌ભુત સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.

10. ફેરડીલ ફિલામેન્ટ્‌સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આંત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ – ભગત ટેક્ષ્ટાઇલ એન્જીનિયર્સને એનાયત કરવામાં આવ્યો હતો.

ભગત ટેક્ષ્ટાઇલ એન્જીનિયર્સે ફિલોસોફી–ઇનોવેશન, સુધારણા અને સંશોધન થકી નાના જોબ વર્કથી લઈને અતિ આધુનિક ટીએફઓ અને સિલાઈ મશીન બનાવવા સુધીની સફર ખેડી છે. છેલ્લાં પાંચ વર્ષમાં બિઝનેસમાં ત્રણ ગણી વૃદ્ધિ કરી છે. તેમના દ્વારા કુલ ઉત્પાદનમાં નિકાસનું યોગદાન ૬૦ ટકા છે. જ્યારે ઉત્પાદકતામાં પણ ૩પ ટકા વૃદ્ધિ થઇ છે.

11. અનુપમ રસાયણ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ – સી.સી. શાહ સાર્વજનિક ઇંગ્લીશ હાઇસ્કૂલને એનાયત કરવામાં આવ્યો હતો.

સી.સી. શાહ સાર્વજનિક ઇંગ્લીશ હાઇસ્કૂલમાં ર૪૪૦ વિદ્યાર્થીઓ ભણે છે અને ખૂબ જ ઉત્તમ બોર્ડ પરિણામો આપે છે. પ્રતિભા શોધ પરીક્ષણોમાં તેઓની ભાગીદારી છે અને ઉત્તમ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવે છે. ટેકનોલોજી એડોપ્શન સાથે ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવે છે.

12. મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન – ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતને એનાયત કરાયો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતમાં વિશિષ્ટ બાયો ટેકનોલોજીનો પાંચ વર્ષનો સંકલિત અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહયા છે. ફેકલ્ટીઓ દ્વારા પ્રખ્યાત જર્નલમાં સંપૂર્ણ સંશોધન પેપર્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

13. શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર – શ્રી મુકુલ વર્મા, એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડેન્ટ (જે.કે. પેપર લિ., સીપીએમ યુનિટ, સોનગઢ)ને એનાયત કરવામાં આવ્યો હતો.

14. શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન – શ્રી જયેશ બી. દેસાઇ (ફાઉન્ડર – રાજહંસ ગૃપ)ને એનાયત કરવામાં આવ્યો હતો. રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે સફળતા મેળવ્યા બાદ પાંચ વર્ષ સુધી સંઘર્ષ કરી શ્રી જયેશભાઇએ વિશ્વની બે લીડીંગ ચોકલેટ કંપનીઓ સામે ભારતની પ્રથમ સ્વદેશી ચોકલેટ કંપની શરૂ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સ્મીટન ચોકલેટ હવે વિશ્વભરમાં જાણીતી થઇ છે.

15. દેશ માટે વિશિષ્ટ સેવા આપનાર નાગરિક તેમજ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશ્વમાં નામના પ્રાપ્ત કરનાર પ્રતિષ્ઠિત શ્રી ગફુરભાઇ બિલખિયાજીને સ્પેશ્યલ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શ્રી ગફુરભાઇ બિલખિયાજી હિન્દીસ્તાન ઇન્કસ, માઇક્રોઇન્કસ, મેરીલ લાઇફ સાયન્સીસ અને મા ફાઉન્ડેશનના સ્થાપક છે. દેશ માટે અનન્ય સેવા આપનારાઓમાં તેમનું પણ નામ ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે. ચાચા અને ગાંધીવાદી તરીકે જાણીતા એવા શ્રી ગફુરભાઇ, પદ્‌મશ્રી એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે. (નોંધઃ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમના ત્યાંથી અન્ય પ્રતિનિધિ તેમને પ્રાપ્ત થયેલો એવોર્ડ લેવા આવ્યા હતા.)

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલાએ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી નિખિલ મદ્રાસી, ચેમ્બરના પૂર્વ પ્રમુખો તેમજ SGCCI ગોલ્ડન જ્યુબિલિ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી કમલેશભાઇ યાજ્ઞિક અને શ્રી રાજેન્દ્રભાઇ ચોખાવાલા તથા ૩૦૦થી વધુ ઉદ્યોગકારો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા. ટ્રસ્ટના માનદ્‌ મંત્રી ડો. અનિલ સરાવગી અને આમંત્રિત ટ્રસ્ટી શ્રી દીપક કુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું.