ભયંકર ગરમી પર હવામાન વિભાગનું મોટું અપડેટ: જાણો આ તારીખથી આગ ઝરતી ગરમીમાં મળશે રાહત

Gujarat Heatwave Forecast: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે અને આકાશમાં આગ વરસી રહી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીની આસપાસ(Gujarat Heatwave Forecast) રહ્યું છે. આમ ગુજરાત આગની ભઠ્ઠીમાં ફેરવાયાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન છે. બીજી તરફ કાળઝાર ગરમીના કારણે હીટસ્ટોક, બેભાન થવાની ઘટનાઓમાં વધારો થયો છે.

હિંમતનગર રાજયનુ સૌથી વધુ ગરમ શહેર બન્યુ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ભાવનગર, ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં 44 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ.આઈએમડી મુજબ રવિવારે રાજ્યના 10 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જેમાં 46.2 ડિગ્રી સાથે હિંમતનગર રાજયનુ સૌથી વધુ ગરમ શહેર બન્યુ હતુ. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે આ જિલ્લાઓને કર્યા સાવધાન
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્રના મોતાભાગના વિસ્તારો જેવા કે સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં હીટવેવની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત અને વલસાડમાં પણ હીટવેવનું મોજું ફરીવળવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે.

26 મેથી 4 જૂન વાવાઝોડાની અસર
ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડુ આકાર લઈ રહ્યુ હોવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેની અસર ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર્ પર પણ જોવા મળી શકે છે. 26 મેથી 4 જૂન દરમિયાન આ વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળશે અને ભારે વરસાદ પડશે.

ગરમીથી બચવા સાવચેતીના પગલા
હવામાન વિભાગે જણાવ્યું છે કે, લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી લૂ સહિતની બીમારીના ભોગ બની શકાય છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ સહિત બીમાર લોકોએ સીધા સૂર્યના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય. આ સિવાય વધુ પરસેવો થાય તો ઓઆરએસ પણ પીવો જોઈએ, સાથે લીંબુ શરબત, ઘરે બનાવેલા પીણા, લસ્સી, ચોખાનું પાણી, છાશ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.