ક્રિકેટના ચાહકો માટે ખુશીના સમાચાર: ચેમ્પિયન્સ ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતા પણ સસ્તા

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાન દ્વારા આયોજિત હાઈબ્રિડ મોડલ પર રમાશે. 8 ટીમો માટે રમાનારી આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે. આ સિવાય બાકીની મેચો પાકિસ્તાનમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીની (Champions Trophy 2025) 8 વર્ષ પછી વાપસી થઈ રહી છે. અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી વર્ષ 2017માં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટની કિંમત શું હશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલી ટિકિટની કિંમત ભારતમાં 1 કિલો પનીરની કિંમત કરતાં ઓછી છે. ભારતમાં 1 કિલો પનીર લગભગ 400 રૂપિયામાં મળે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં ટિકિટની કિંમત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી સસ્તી ટિકિટ 1000 પાકિસ્તાની રૂપિયા રાખી છે, જે ભારતમાં 310 રૂપિયાની બરાબર હશે. PTIના અહેવાલ મુજબ, PCBએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચોની સૌથી સસ્તી ટિકિટ 1000 પાકિસ્તાની રૂપિયામાં રાખી છે. બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડીમાં યોજાનારી મેચની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે, જે ભારતીય રૂપિયામાં 620 રૂપિયા છે. આ સિવાય પાકિસ્તાનમાં સેમીફાઈનલ મેચની ટિકિટની કિંમત 2500 પાકિસ્તાની રૂપિયા (776 ભારતીય રૂપિયા) થી શરૂ થશે.

VVIP ટિકિટ માટે આટલા પૈસા ખર્ચવા પડશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઘરે યોજાનારી તમામ મેચોની VVIP ટિકિટની કિંમત 12000 પાકિસ્તાની રૂપિયા (3726 ભારતીય રૂપિયા) રાખી છે. પરંતુ સેમીફાઈનલમાં VVIP ટિકિટ માટે ચાહકોએ 25000 પાકિસ્તાની રૂપિયા (7764 ભારતીય રૂપિયા) ખર્ચવા પડશે. આ સિવાય પ્રીમિયર ગેલેરી માટે ટિકિટની કિંમત અલગ હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરીની ટિકિટ 3500 પાકિસ્તાની રૂપિયા (1086 ભારતીય રૂપિયા), લાહોરમાં 5000 રૂપિયા (1550 ભારતીય રૂપિયા) અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ મેચની ટિકિટ 7000 રૂપિયા (2170 ભારતીય રૂપિયા) હશે. જોકે, દુબઈમાં યોજાનારી ભારતની મેચોની ટિકિટની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.

8 ટીમો ભાગ લઇ રહી છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રૂપ A માં છે. જ્યારે ગ્રૂપ B માં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દુબઈ અને પાકિસ્તાનમાં હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચો
20 ફેબ્રુઆરી – ભારત vs બાંગ્લાદેશ
23 ફેબ્રુઆરી – ભારત vs પાકિસ્તાન
2 માર્ચ – ભારત vs ન્યુઝીલેન્ડ