ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વધારે બન્યો ખતરનાક: વધુ એક બાળકે ગુમાવ્યો જીવ, મોતનો આંકડો 150ને પાર

Chandipura Virus Gujarat: વડોદરા શહેરમાં જ્યાં એક તરફ ચોમાસા દરમિયાન રોગચાળો વકર્યો છે. પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગો ફેલાઈ રહ્યા છે. ત્યારે હવે આ બધા વચ્ચે વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં(Chandipura Virus Gujarat) છેલ્લા 1 મહિનામાં પીડિયાટ્રિક વિભાગમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 19 દર્દીઓના મોત નિપજ્યા છે.

8 દર્દીઓ સારવાર હેઠળ
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મૌટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હાલ ચાંદીપુરા વાયરસની સ્થિતીને જોતા હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે સારવારની તમામ સુવિધાઓ અહિંયા ઉપલબ્ધ છે. વડોદરા તથા અન્ય જિલ્લાઓમાંથી શંકાસ્પદ ચાંદીપુરા સાથે દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જે તમામને સારવાર આપવામાં આવી રહી છે. હાલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે, તે પૈકી 2 ICU માં સારવાર લઇ રહ્યા છે. બાકીના 6 બાળકો સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે એડમિટ થયેલી હાથીખાનાની બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સપાટી પર આવ્યું છે.

19 માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા
વડોદરા જિલ્લામાં ચાંદીપુરા વાયરલ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. સરકારી હોસ્પિટલ એસએસજીના બાળરોગ વિભાગમાં તેની સારવાર આપવામાં આવી રહી છે. હાલની સ્થિતીએ અત્યાર સુધીમાં 34 શંકાસ્પદ કેસો આવ્યા હતા. તે પૈકી 6 ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. અને 19 માસુમોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. હાલ 8 બાળકો સારવાર હેઠળ છે, તે પૈકી 2 ની તબિયત ગંભીર હોવાના કારણે આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચાંદીપુરા વાયરસને લઇને જાગૃતતા ફેલાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આટલા કેસ મળ્યા
ગુજરાત રાજયમાં એન્કેફેલાઈટીસના કુલ 153 દર્દી છે. આ કેસ પૈકી સાબરકાંઠા જિલ્લામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 3, ખેડામાં 7, મહેસાણામાં 9, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 8, પંચમહાલમાં 16, જામનગરમાં 7, જ્યારે જામનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 6, વડોદરા કોર્પોરેશનમા 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશન 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, પોરબંદરમાં 1, પાટણમાં 1 તેમજ ગીર સોમનાથમાં 1શંકાસ્પદ કેસો મળી આવેલા છે.

દવા છંટકાવ કરવામાં આવ્યો
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલી છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ધનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યું છે.કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,49,203કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.