વ્યાજખોરીના દૂષણ પર રોકઃ વ્યાજખોરીના દૂષણને નાબુદ કરવાના સંકલ્પના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા આયોજીત લોન/ધિરાણ કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાના હસ્તે કામરેજ તાલુકાના વાલક પાટીયા સ્થિત સ્વામિનારાયણ મિશન ખાતે 2415 જરૂરીયાતમંદોને 37.35 કરોડના લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે વ્યાજખોરીના દુષણને નેસ્તનાબુદ કરવા માટે અભિયાન ઉપાડયું છે. સામાન્ય નાગરિકોનું જીવન બરબાદ કરનારા કોઈપણ ચરમબંધીઓને છોડવામાં આવ્યા નથી. ગુજરાતની પોલીસ રાજયભરમાં 3500થી વધુ લોકદરબારો યોજીને સામે ચાલીને નાગરિકોની ફરિયાદો સાંભળીને હજારો વ્યાજખોરોને જેલના સળિયા ગણતા કરી દીધા છે. સામાન્ય અને ગરીબ જનતાને હેરાન પરેશાન કરનારા વ્યાજખોરોને ગુજરાત છોડી દેવાની ચેતવણી મંત્રીએ આપી હતી. રાજયની પોલીસે વ્યાજખોરો પાસેથી માતાઓના મંગળસૂત્રો તથા ઘરો પરત અપાવવાનું સરાહનીય કાર્ય કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.
મંત્રીએ લોનસહાયની જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની પોલીસે 41 વ્યાજખોરો વિરૂધ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને લોન મળે તે માટે લોનમેળા યોજીને માનવીય કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, નાનો વ્યવસાય કરનારા હજારો લોકો વ્યાજખોરો પાસેથી ઉચા વ્યાજે રૂપિયા લેતા હતા. બાદમાં પઠાણી ઉધરાણી કરીને લોકો પાસેથી ઘર, ઝવેરાત જેવી વસ્તુઓ પડાવી લેતા હતા.
જેની સામે રાજયની પોલીસે કડક હાથે કામગીરી કરીને ચીજવસ્તુઓ પરત અપાવી છે. આટલેથી જ ન અટકતા પોલીસ પ્રજાનો મિત્ર બનીને લોન સહાય આપવાનું કાર્ય કરી રહી છે. જે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગરીબ માણસની આંતરડી કકળાવનારા વ્યાજકવાંદીઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે.
વ્યાજખોરીની ચુંગાલમાં ફસાયેલા હજારો લોકોને પોલીસે છોડાવ્યા છે અને લોન મેળા યોજીને બેંકો પાસેથી કરોડોની લોન સહાય આપવાનું કાર્ય કર્યું છે. કોઈ પણ નાગરિકોએ ઉચા વ્યાજે લોન ન લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો. સ્વાગત પ્રવચન કરતા એ.ડી.જી.પી.પિયુષ પટેલ જણાવ્યું હતું કે, વ્યાજખોરીના દુષણને નાબૂદ કરવાના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ સહિત સુરત રેન્જ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 2476 લાભાર્થીઓને 37 કરોડથી વધુની લોન સહાય તથા સુરત રેન્જમાં 80 કરોડની સહાય એનાયત કરવામાં આવી છે.
137 ગુનાઓ નોધી 70 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો પટેલે આપી હતી. આ પ્રસંગે મંત્રી સંધવીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ જવાનો અને લોન સહાય મેળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા બેંક અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ ઈશ્વર પરમાર, ગણપત વસાવા, મોહનભાઇ ઢોડિયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વમંગલ સ્વામી, વિશ્વ પ્રકાશદાસજી સ્વામી, કામરેજ પ્રાંત અધિકારી સાવલિયા તથા લાભાર્થીઓ, પોલીસ અધિકારીઓ, બેંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.