ભાનુશાળી ની હત્યાનું કાવતરું ઘડનાર ભાજપ નેતા વિદેશ ફરાર, CID એ કરી પ્રેસ કોન્ફરન્સ

Published on: 2:52 pm, Thu, 24 January 19

ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે 17 દિવસ બાદ સત્તાવાર 2 આરોપીઓની ધરપકડ કરી છે.  સીઆઈડી ક્રાઈમે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો છે કે જયંતી ભાનુશાળી, છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી વચ્ચે ગંભીર મતભેદો હતા. આ મતભેદોને કારણે જ જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવાઈ છે. જોકે, છબીલ પટેલ આ હત્યા પહેલા વિદેશ ભાગી ગયા હતા.

જયંતી ભાનુશાળી પરિવારજનોએ પણ હત્યા બાદ છબીલ પટેલ અને મનીષા ગૌસ્વામી પર આરોપ લગાવ્યો હતો  અને ફરિયાદ પણ નોંધાવી હતી. આ હત્યા પૂર્વાયોજિત હતી.  આ હત્યા કેસમાં 2 આરોપી- નીતિન પટેલ અને રાહુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ કેસમાં મુખ્ય શાર્પશૂટર સુરજીત ભાઉ હજુ પોલીસ પકડથી દૂર છે. સીઆઈડી ક્રાઈમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કચ્છ સ્થિત છબીલ પટેલના ફાર્મહાઉસમાં 25 ડિસેમ્બરે 2 શાર્પશૂટર આવ્યા હતા અને ત્યાં જ મર્ડરનું કાવતરું ઘડાયું હતું.

8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H-1 કોચમાં ભાનુશાળીને બે ગોળી મારીને હત્યા કરાઈ હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે બે આરોપીઓની ધરપકડ બતાવી છે. એડીજીપી અજય તોમરે ભાનુશાળીની હત્યા અંગે પત્રકાર પરિષદમાં ખુલાસો કર્યો હતો.

પૂર્વ MLA જયંતિ ભાનુશાળી ના હત્યારાઓએ ભાનુશાળીની હત્યા પહેલા તેમના રૂટની રેકી કરી હતી. ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની હત્યા સયાજી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. જયંતિ ભાનુશાળી અને છબિલ પટેલ વચ્ચે વિવાદ હતો. તો મનીષા અને ભાનુશાળી વચ્ચે પણ નાણાકીય બાબતને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આથી મનીષા અને છબીલ પટેલે ભાનુશાળીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.