CM વિજય રૂપાણીની જાહેરાત: ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે, રાજ્ય સરકાર ચુકવશે

Published on: 12:45 pm, Sun, 2 December 18

લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પેપર લીકની ઘટનાની CMએ ગંભીરતાથી નોંધ લીધી છે. CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે.

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી.

આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી.

થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષની ભરતી શરૂઆતમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી 3524 બેઠકોનો વધારો કરાતા કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,77,704 ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.