દેશમાં બાળકોના કિડનેપિંગ કરીને વેચી મારતી ગેંગ છાશવારે પકડાતી હોય છે, પરંતુ હવે સંસ્કારી પક્ષ ગણાતા ભાજપના હોદેદારો પણ આવી ગેંગ ચલાવતા થઇ ગયા છે. અલીરાજપુરની ગેંગ પાસે બાળકનો સોદો કરાવી આપવામાં મધ્યસ્થી બનેલા ભાજપના એક આગેવાનની પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી પકડાયેલી બાળકો ઉઠાવી જતી અને નિસંતાન દંપતી સાથે બાળકોના સોદા કરતી ગેંગના માસ્ટર માઇન્ડ શૈલેન્દ્ર ઉર્ફે શૈલુ રાઠૌર તેમજ તેના ત્રણ સાગરિતોને અલીરાજપુર પોલીસે ઝડપી પાડતાં ગેંગનું વડોદરા અને છોટાઉદેપુરમાં કનેક્શન નીકળ્યું છે.
દોઢ વર્ષના ગાળામાં ત્રણ બાળકોનો સોદો કરનાર ગેંગનો સૂત્રધાર શૈલેન્દ્ર અલીરાજપુરમાં પ્રોપર્ટી ડીલર અને વીજ કંપનીનો કોન્ટ્રાક્ટર હોવાની વિગતો બહાર આવી છે.શૈલેન્દ્રએ વડોદરાના કારેલીબાગમાં ગોકુલનગર સોસાયટી ખાતે રહેતા દિલીપ પુરૃષોત્તમ અગ્રવાલને છોટા ઉદેપુરમાં સ્ટેશનરીની દુકાન ધરાવતા ભાજપના અગ્રણી રાજુ નિરંજન અગ્રવાલ મારફતે દસેક મહિના પહેલા એક બાળક વેચ્યુ હોવાની વિગતો બહાર આવતાં પોલીસે છોટાઉદેપુર નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રાજુ અગ્રવાલની ધરપકડ કરી છે.
રાજુએ આ બાળક છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાંથી અપાવ્યું હોવાની વિગતો ખૂલતાં અલીરાજપુરના પીઆઇ દિનેશ સોલંકીએ છોટાઉદેપુરની કેસર હોસ્પિટલના સંચાલક ડો.રાજુની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
શૈલેન્દ્ર પાસે બાળક લઇને આવેલી સગીરા કોણ ?
શૈલેન્દ્રને પકડવા માટે ભોપાલની એનજીઓના સંચાલક અને મહિલા પીએસઆઇએ દંપતી બનીને છટકું ગોઠવ્યું હતું.આ વખતે દોઢ વર્ષના બાળકનો રૃા.૧.૪૦ લાખમાં સોદો કરવા માટે બાળકને લઇ આવેલી સગીરાની ભૂમિકાએ પ્રશ્નાર્થ સર્જ્યા છે.સગીરાને હાલ પુરતી કોર્ટે છોડી દીધી છે.
અલીરાજપુરની ગેંગ દ્વારા અત્યારસુધી ત્રણ બાળકોના સોદા કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસે રિમાન્ડ દરમિયાન માસ્ટર માઇન્ડ શૈલેન્દ્ર રાઠૌરની પૂછપરછ કરતાં વધુ એક બાળકનો સોદો કર્યોની વિગતો બહાર આવી છે.
નજીવી રકમમાં બાળકોનો સોદો કરતી ટોળકીએ દોઢ વર્ષ પહેલાં અલીરાજપુર નજીકના મોરબી ગામે રહેતા દોડલસિંગ સાથે એક બાળકનો માત્ર રૃા.૫૫ હજારમાં સોદો કર્યો હતો.જો કે દોડલસિંગ પાસે રૃા.૪૦ હજારની જ વ્યવસ્થા હોઇ તેટલી રકમમાં બાળકનો પધરાવી દીધું હતું.
આ બાળક ક્યાંથી લાવ્યા હતા તેની હજી પોલીસને પૂરતી વિગતો મળી નથી.અલીરાજપુરના પીઆઇ દિનેશ સોલંકીએ આ બાળકને કબજે લઇ દોડલસિંગની ધરપકડ કરતાં ગેંગમાં પકડાયેલાઓની સંખ્યા ૯ ની થઇ છે.
નાનપુરમાં પણ પાંચ થી છ બાળકોના સોદા કર્યા
બાળકોના સોદા કરતી ગેંગ દ્વારા અલીરાજપુર નજીક આવેલા નાનપુરમાં પણ પાંચ થી છ બાળકોના સોદા કરવામાં આવ્યા હોવાની શક્યતા જોવાઇ રહી છે.મધ્યપ્રદેશ પોલીસે આ અંગે એક ટીમને તપાસ માટે તૈયાર કરી છે.