ભારત તરફથી આ વર્ષના ઓસ્કાર(Oscar)માં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો'(Last Film Show)ની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકારને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દસ વર્ષના બાળકલાકાર રાહુલ કોલી(Rahul Kohli dies)નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 2 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં લ્યુકેમિયાના કારણે રાહુલ કોલીનું મૃત્યુ થયું હતું. ફિલ્મ ‘છેલ્લો શો’ 14 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા રાહુલના નિધનથી દરેક લોકો દુખી છે. તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. રાહુલ તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ કોલીના પિતાએ કહ્યું, “રવિવાર, 2 ઓક્ટોબરના રોજ તેણે નાસ્તો કર્યો અને પછીના કેટલાક કલાકો સુધી વારંવાર તાવ આવ્યા પછી, રાહુલને ત્રણ વખત લોહીની ઉલટી થઈ, ત્યાર બાદ મારા દીકરાએ દુનિયાને અલવિદા કહી દીધું.” તેણે કહ્યું કે અમારો પરિવાર ભાંગી પડ્યો છે. પરંતુ અમે તેમનો ‘છેલ્લો શો’ 14 ઓક્ટોબરે એકસાથે જોઈશું.
જામનગરમાં રાખવામાં આવી પ્રાર્થનાસભા:
ઉલ્લેખનીય છે કે, રાહુલના પરિવાર દ્વારા સોમવારના રોજ એટલે 10 ઓક્ટોબરના રોજ જામનગર પાસે તેમના ગામ હાપામાં તેના માટે પ્રાર્થનાસભા રાખવામાં આવશે. ‘છેલ્લો શો’માં રાહુલે ખૂબ જ સારું કામ કર્યું છે અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેના કામનાં ખૂબ જ વખાણ પણ થયાં. ફિલ્મમાં રાહુલ અને ભવિન સિવાય ઋચા મીના, ભાવેશ શ્રીમલી, પરેશ મહેતા અને ટિયા સબેશ્ચિયને મુખ્ય અભિનય ભજવ્યાં છે.
આ ફિલ્મ 95 સિનેમાઘરોમાં રિલીઝ થશે:
ફિલ્મના નિર્માતાઓએ તેને દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે કારણ કે ‘છેલ્લો શો’ 95માં ઓસ્કાર એવોર્ડમાં જાય છે. આ સાથે, તમે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં ફિલ્મ જોઈ શકશો. હવે ફિલ્મની ટિકિટની કિંમત એક દિવસ માટે 95 રૂપિયા થઈ ગઈ છે. ‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવનથી પ્રેરિત છે.
સ્ક્રિનિંગમાં ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું:
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ઓસ્કાર 2023 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. તાજેતરમાં જ ચેન્નાઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જ્યાં ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ફિલ્મને સિદ્ધાર્થ રાય કપૂર રજૂ કરી રહ્યો છે. પાન નલિને તેમની કંપની મોનસૂન ફિલ્મ પ્રોડક્શન હેઠળ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.